- HNGUના કારોબારી સમિતિના બે સભ્યોની મુદ્દત પૂરી થતા કાર્યકારી કુલ સચિવે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડ્યું
- 31 માર્ચ, 2021ના રોજ કારોબારી સમિતિના બે સભ્યોની મુદ્દત પૂરી થાય છે
- 13 જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી શકાશે
- 16 જાન્યુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે
- 25 જાન્યુઆરીના રોજ યોજાશે ચૂંટણી
પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિમાંથી શૈલેષ પટેલ અને દિલીપ ચૌધરીની EC મેમ્બર તરીકેની ત્રણ વર્ષની મુદ્દત ૩૧મી માર્ચ, 2021ના રોજ પૂર્ણ થઇ રહી છે. આ બે સભ્યોની મુદ્દત પૂરી થતા 1 એપ્રિલ, 2021થી 31 માર્ચ, 2024 માટેના નવા બે સભ્યો માટેની ચૂંટણી યોજવા બાબતે યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટર અને ચૂંટણી અધિકારી ડૉ. ડી. એમ. પટેલ દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ 13 જાન્યુઆરી, 2021ના રોજ સાંજના ચાર કલાક સુધીની રહેશે. 15 જાન્યુઆરી, 2021ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 16 જાન્યુઆરી, 2021ના રોજ સાંજે સાડા છ કલાક સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. જ્યારે 18 જાન્યુઆરીના રોજ માન્ય ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવશે તેમજ અન્ય સભ્યોને મોકલી અપાશે.
મતદાન બાદ મતગણતરી કરાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે 25મી જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જેમાં બપોરે 12:45થી 2:45 કલાક સુધી મતદાનનું આયોજન કરવામાં આવશે. આ મતદાન પૂર્ણ થયા બાદ 3:30 કલાકે મતગણતરીની પ્રક્રિયા યોજાશે.