- જોરાવરપુરા ગામે નજીવી બાબતે થઈ જૂથ અથડામણ
- બન્ને સમાજના લોકો વચ્ચે ત્રણ દિવસથી ચાલતી હતી તકરાર
- જુથ અથડામણને લઇ ગામમાં મચી અફરાતફરી
પાટણઃ જિલ્લાના સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે દિવાલ બનાવવા મામલે ત્રણ દિવસથી ચાલતી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે સમાજનાં જૂથો સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં ઘાતક હથિયારો વડે એકબીજા ઉપર હુમલો કરતા 20 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બંન્ને જૂથો વચ્ચે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
બંને પક્ષના 20થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત
સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે એક વ્યક્તિ દ્વારા દીવાલ બનાવવામાં આવી રહી હતી. જેનો અન્ય સમાજના લોકો દ્વારા દબાણ કરી દીવાલ બનાવવામાં આવી રહી છે તેમ જણાવી વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બંને વચ્ચે તકરાર ચાલતી હતી જેને લઇ બુધવારે એકાએક મામલો બિગડ્યો હતો. આથી બંન્ને જુથો ઘાતક હથિયારો સાથે એકઠા થઇ ગયા હતા અને એકબીજા ઉપર પ્રહારો કરી તૂટી પડ્યા હતા. જેને લઈને ગામમા ભારે અફરાતફરી સાથે નાસભાગ મચી હતી. આ જૂથ અથડામણમાં બન્ને પક્ષના 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જૂથ અથડામણની જાણ થતાં સમી જિલ્લા પોલિસ અધિક્ષક, ડિવાયએસપી, એલસીબી સહિતનો પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ ગામમા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બાદમાં બંને જૂથો દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.