પાટણ જિલ્લામાં 1500 જેટલી આશા વર્કર મહિલાઓ આરોગ્ય લક્ષી સેવાઓ આપી સરકારની યોજનાઓનો લાભ ઘર-ઘર સુધી પહોચાડે છે. તેઓને આપવામાં આવતા પગાર મામલે રાજ્ય સરકારે 2017માં 50 ટકા પગાર વધારો આપવાની જાહેરાત કરી હતી. જો કે, પાટણ જિલ્લાની મોટાભાગની આશા વર્કર મહિલાઓ પગાર વધારાથી વંચિત રાખવામાં આવતા મહિલાઓએ રેલી સ્વરૂપે નીકાળી કલેકટર કચેરી ખાતે પહોચી હતી.
ચીટનીસ ટુ કલેકટરને આવેદનપત્ર આપી પગાર વધારાની માંગ બુલંદ કરી હતી.આશા વર્કર તરીકે ફરજ બજાવતી મોટાભાગની મહિલાઓ ગરીબ અને માધ્યમ વર્ગની હોય છે. આ મહિલાઓને મોંઘવારીના સમયમાં નજીવા પગાર ધોરણના કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. આરોગ્યલક્ષી સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચાડવા આશા વર્કર મહિલાઓનું ખૂબ જ મહત્વનું યોગદાન હોય છે. ત્યારે, પગાર વધારો ન મળવાથી આશા વર્કર મહિલાઓમાં નારાજગી જોવા મળી હતી.