પાટણઃ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની મળેલી બેઠકની કાર્યવાહીને બહાલી આપ્યા બાદ જિલ્લા પંચાયત હસ્તકની રેતી કંકરની કુલ 2 કરોડ 72 લાખની ગ્રાંટમાંથી રૂપિયા 2 કરોડ 59 લાખના વિકાસલક્ષી કામો જિલ્લાના વિવિધ ગામોમાં કરવામાં આવ્યા છે. તેમજ 12 લાખ 60 હજારના કામો કરવાના બાકી છે તે કામોની મંજૂરી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કેન્દ્રીય 15માં નાણાપંચની રૂપિયા 2 કરોડની અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં જમા પડેલી સ્ટેમ્પ ડ્યુટી વળતરની 10 કરોડની ગ્રાન્ટમાંથી દરેક સભાસદના મતવિસ્તારમાં સરખે ભાગે વિકાસલક્ષી કામો કરવામાં આવે તેવી ચર્ચાઓના અંતે તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.
પાટણ શહેર સહિત જીલ્લામાં પ્રસરેલી કોરોના મહામારીમાં આરોગ્ય કર્મચારીઓની કામગીરીને જિલ્લા પંચાયત પ્રમુખે બિરદાવી હતી અને આગામી સામાન્ય સભામાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તેમની ટીમને પ્રોત્સાહિત કરવામાં આવશે.