પાટણઃ ભારતમાં ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ગણાતી પાટણમાં નિકળતી ભગવાન જગન્નાથની 137મી રથયાત્રાને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પુરી સહિત દેશના વિવિધ દેશોમાં નીકળતી રથયાત્રાઓ કોરોના મહામારીને કારણે નહીં યોજવા રિટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે કોરોનાને ધ્યાનમાં લઇ રથયાત્રાઓ નહીં કાઢવા હુકમો કર્યા છે.
આ શહેરમાં નહિ યોજાય રથયાત્રા
- પાટણ
- અમદાવાદ
- સુરત
- વડોદરા
જેને પગલે વહીવટી તંત્ર દ્વારા રથયાત્રાઓ નીકળવાની મંજૂરી આપી નથી. ત્યારે પાટણમાં ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મંડળે સરકારના દિશાનિર્દેશોનું પાલન કરી અન્ય શહેરોની જેમ પાટણમાં પણ રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્ય જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે મંદિર પરિસરમાં ભગવાનનો અભિષેક, પૂજા, આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ 12:39 કલાકે ત્રણેય મૂર્તિઓને રથમાં બિરાજમાન કરાવી મંદિર પરિસરમાં રથોને પરિભ્રમણ કરાવાશે.
કોરોના મહામારીને લઈને ચાલુ વર્ષે પાટણ અને સિદ્ધપુરમાં રથયાત્રાઓ નહીં યોજવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે. ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ શહેર અને જિલ્લા વાસીઓને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા તેમજ રથયાત્રાની પૂજા વિધિ અને દર્શન ઘરે બેઠાં જ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.