પાટણ: જિલ્લામાં મંગળવારે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 50 થયો છે. જ્યારે હારિજમાં પણ એક કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 120 થઈ છે.
પાટણ શહેરમાં નોંધાયેલા કોરોના કેસમાં શહેરના કેનાલ રોડ ઉપર આવેલા સારથી રેસિડેન્સીમાં રહેતિ વૃદ્ધા ઇલાબેન પટેલને તાવ, શરદી અને ખાંસી થતા ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ચાણસ્મા હાઇવે રોડ ઉપર આવેલા કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા ઠક્કર રાજેશભાઈ નામના યુવાનને તાવ, ખાંસીની તકલીફ ઉભી થતા તેમનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત શહેરના શીશ બંગ્લોઝમાં રહેતા 39 વર્ષીય પુરુષ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હારીજ ખાતે નાના ગણપતિ મંદિર પાસે રહેતા 26 વર્ષીય યુવાનને ખાંસી સાથે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડી ટેસ્ટ સેમ્પલ લેવાતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમોએ દર્દીઓના રહેણાક વિસ્તારમાં જઈ સેનિટાઈઝ સાથે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા હતા.