પાટણ : શહેરના નગરપાલિકા કેમ્પસમાં તાજેતરમાં જ લાખો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ અદ્યતન બિલ્ડિંગ નવ નિર્મિત બિલ્ડિંગનુ લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. જેમાં તક્તી અનાવરણમાં નગરપાલિકા ઉપપ્રમુખના નામની બાદબાકી કરતા આ મુદ્દાને લઈ ઉપપ્રમુખ અને પ્રમુખે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા.
આક્ષેપો પ્રતિ આક્ષેપોને કારણે પાટણનું રાજકારણ ગરમાયું હતું. ત્યારે નગર પાલિકા ઉપપ્રમુખે આ તક્તી દૂર નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી, ત્યારે સોમવારે ઉપપ્રમુખ લાલેશ ઠક્કર પોતાના સમર્થકો સાથે નગરપાલિકા કેમ્પસમાં આવી ધરણા પર બેઠા હતા. પ્રમુખ મહેન્દ્ર પટેલે ઉપપ્રમુખને પોતાની ચેમ્બરમાં બોલાવી આ મુદ્દે ચર્ચા કરી પક્ષના મોવડી મંડળે એક સપ્તાહમાં આ તક્તિ યોગ્ય કરવાની બાંયધરી આપી હોવાનું જણાવ્યું હતું. જે બાદ લાલેશ ઠકકરે પોતાના ધરણા સમેટી લીધા હતા.
પાટણ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લોકાર્પણની તક્તીમાં હવે કોઈ જાતનો સુધારો શક્ય નથી, પરંતુ શહેરના અન્ય વિકાસ કામો સાથે મળીને કરીશું અને અન્ય કોઈ કામનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે ઉપપ્રમુખના નામ બાબતે વિચારવામાં કરવામાં આવશે. મારી પર લગાવેલા વ્યક્તિગત આક્ષેપો મામલે લાલેશ ઠક્કર દિલગીરી વ્યક્ત કરશે, તો હુ તેમના પર બદનક્ષીનો દાવો નહીં કરું.
જાણો શું છે સમગ્ર ઘટના : -
નગરપાલિકાના તકતીના વિવાદને લઈને પાટણનું રાજકારણ ગરમાયું
7 ઓક્ટોબર - પાટણ નગરપાલિકાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણની તક્તીનો વિવાદ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ તક્તી રવિવાર સુધીમાં દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા ઉપપ્રમુખે ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા કેમ્પસમાં આંદોલન કરવાની ચીમકી આપી છે. તો નગર પાલિકા પ્રમુખને વ્યસન કરતા હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ઉપપ્રમુખ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાની ચીમકી આપતા પાટણનું રાજકારણ ગરમાયું છે.