પાટણ : ડીસાના વેપારીને વિદેશની એન્ટીક નેકડ ચેર અપાવવાના બહાને ચાર શખ્સોએ રૂપિયા 5.67 કરોડની રકમ ટુકડે ટુકડે પડાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. પાટણના બે શખ્સ અને બનાસકાંઠા જિલ્લાના ટેટોડા અને ધાખા ગામના બે શખ્સ એમ કુલ ચાર શખ્સોએ છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યા અંગે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પાટણ એસઓજી પોલીસને સોંપી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બે શખ્સોની ધરપકડ કરી તેઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.
શું હતો મામલો ? પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર ડીસા ખાતે અનાજ માર્કેટ યાર્ડમાં બારદાનની પેઢી ધરાવતા ત્રીકમજી ગમજીજી બારોટે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ મહંમદ સલીમ કાલુમિયા ફારૂકી રહે.પાટણ, ઉત્તમભાઈ ઇશ્વરભાઇ ચૌધરી રહે.ટેટોડા તાલુકો ડીસા, અંબાભાઈ દાનાભાઈ પાંત્રોડ રહે .ધાખા તાલુકો ધાનેરા અને જાફરભાઈ (મહંમદ સલીમ ફારૂકીનો ભત્રીજો) આ ચોર લોકો આરોપી છે. તેઓએ એકબીજાની મદળગારીથી ભારત સરકારની સેન્ટ્રલ બેન્કના તથા મંત્રાલયોના નામના તેમજ વિદેશી બેંકના નામના ખોટા લેટરપેડ બનાવ્યા હતા.
કરોડોની ઠગાઈ : વિદેશની નેકડ ચેર એન્ટિક વસ્તુનો રુપીયા પાંત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણુ કરોડમાં (રૂ.35,398,09,275000) સોદો નક્કી કર્યો હતો. બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી તારીખ 14/6/2018 થી તારીખ 8/11/2019 સુધીમાં ટુકડે ટુકડે કુલ રૂપિયા પાંચ કરોડ 67 લાખ 26 હજાર ડીસાના વેપારી પાસેથી લીધા હતા. બાદમાં મુદત વીતવા છતાં પૈસા પરત આપ્યા ન હતા. વેપારીએ ઉઘરાણી કરતાં આ ઈસમો દ્વારા તેને ધમકીઓ આપવામાં આવી હતી.
વ્યાપારી સાથે છેતરપિંડી કરનાર બંને શખ્સોએ આ પૈસા કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કર્યો છે, તે દિશામાં તેમજ ફરિયાદી વ્યાપારીએ રૂપિયા 5.67 કરોડ કઈ રીતે મેળવ્યા છે અને કઈ રીતે આપ્યા છે. તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. -- વી.આર. ચૌધરી (PSI, પાટણ SOG)
લાલચમાં ફસાવી દગો : છેતરપિંડીનો ભોગ બનનાર વેપારી ત્રિકમાજી બારોટે જણાવ્યું હતું કે, આ ચાર શખ્સોએ એન્ટિક વસ્તુઓ આપવાની ટેટોડા ગામના ઉત્તમભાઈ ચૌધરી અને ધાખા ગામના આંબાભાઈ પાંત્રોડ સાથે પરિચય થયો હતો. તેઓએ પાટણની મોટી વ્યક્તિ સાથે ઓળખાણ છે અને તેને વિદેશમાં મોટા બિઝનેસ ચાલે છે, તેમાં અમે ભાગીદારી કરી છે. જેમાં રોકાણ કરવા માટે અમારી પાસે હાલ પૈસા ન હોવાથી વિદેશનો ધંધો રોકાયો છે. તેમ કહી ઉછીના રૂપિયા માંગ્યા હતા.
વેપારીને આપી ધમકી : બેંકના વ્યાજ કરતાં વધુ નફા સાથે પરત કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ પાટણના સર્કિટ હાઉસ ખાતે સલીમ આરોપી અને તેના ભદ્ર ભત્રીજા ઝાફર સાથે વાતચીત કરાવી હતી. તેમાં વિશ્વાસ બેસતા રૂપિયા પાંચ લાખ રોકડા અને બીજા પાંચ લાખ આંગડિયા મારફતે અમદાવાદ મોકલી આપ્યા હતા. આ ઈસમોએ આપેલા દસ્તાવેજો બેંકમાં જઈ ચકાસતા તે ખોટા હોવાનું માલુમ થતા તેમજ પૈસાની ઉઘરાણી કરતા તેઓએ ધમકી આપતા ફરિયાદ નોંધાવી છે.
આરોપી ઝડપાયા : ડીસાના વેપારીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પોલીસે ગુનો નોંધી આ કેસની વધુ તપાસ પાટણ એસ.ઓ.જી પોલીસને સોંપી હતી. પાટણ એસ.ઓ.જી પોલીસે પાટણના મોહમ્મદ સલીમ ફારૂકી અને તેના ભત્રીજા જાફરને ઝડપી લઇ સઘન પૂછપરછ હાથ ધરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા એવા ઉત્તમભાઈ ઇશ્વરભાઇ ચૌધરી રહે. ટેટોડા અને આંબાભાઈ દાનાભાઈ પાંત્રોડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.