પાટણઃ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા ગામમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઇ છે. ઉનાળામાં તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીનું ખુબ મોટી સમસ્યા ઉભી થઇ છે. પાણીની સમસ્યા મામલે ગામલોકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારની નક્કર કામગીરી હાથ ધરવામાં ન આવતા ગામમાં પાણીના પોકારો પડી રહ્યાં છે.
રાધનપુર તાલુકાના લોટીયા ગામમાં છેલ્લા બે માસથી પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. ટાંકી અને સંપ પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવેલા છે, પરંતુ અહીં સંપમા પાણી પૂરું આવતું ન હોવાને કારણે પંદરસોની વસ્તી ધરાવતા આ ગામના લોકોને પુરતું પાણી પણ મળી રહેતું નથી.
જ્યારે ગામના લોકોને પાણી ભરવા બનાવવામાં આવેલા સ્ટેન્ડ પોસ્ટ પર વહેલી સવારથી મહિલાઓ પાણી ભરવાના વાસણો મૂકીને લાઇનો લગાવે છે પરંતુ સ્ટેન્ડ પોસ્ટના નળમાં ટપક પદ્ધતિ મુજબ પાણી આવતું હોવાને કારણે એક બેડુ ભરાતા કલાકનો સમય નીકળી જાય છે. તેથી ગામની મહિલાઓને પીવાનું પાણી ભરવા માથે બેડા ઉપાડીને બે કિલોમીટર દૂર જવું પડે છે. ગામ લોકોને પીવાનું પાણી મળતું નથી તો ન્હાવા માટે પાણી ક્યાંથી લાવવું.
ઉનાળામાં પાણીની ભારે સમસ્યા ઊભી થઇ છે. કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની અત્યંત આવશ્યકતા હોઈ ન છૂટકે લોકો પૈસા ખર્ચીને ટેન્કર મંગાવી રહ્યાં છે. પાણીની સમસ્યાને લઇને ગામલોકોએ વિસ્તારના ધારાસભ્ય રઘુ દેસાઈને જાણ કરવા છતાં તેઓએ પણ પાણી આવી જશે તેવું આશ્વાસન આપ્યું હતું. લોટીયા ગામ રાધનપુર તાલુકામાં આવે છે, જ્યારે પાણી બનાસકાંઠાના ભાભર પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેને કારણે ગ્રામજનોની પાણીની સમસ્યાનું નિરાકરણ થતુ નથી.