પાટણઃ નગરપાલિકાના નવીન બની રહેલા બિલ્ડિંગમાં હલકી કક્ષાનું કામકાજ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પાલિકાના ઉપપ્રમુખે જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. જો કે, આ આક્ષેપોને પાલિકા પ્રમુખે પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું.
નગરપાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે, તે બિલ્ડીંગનું કામકાજ ઝડપથી પૂરું કરવાના હેતુથી ગુણવત્તાહીન અને ટેન્ડરની શરતો મુજબ થઈ રહ્યું નથી. મોટાભાગનું કામ સાંજ પછી અંધારામાં કરવામાં આવે છે. જેના કારણે માલ મટિરિયલ જે વાપરવું જોઈએ તે વપરાય છે કે કેમ એ બાબતની કોર્પોરેટરો તેમજ ચેરમેનોને પણ શંકા ઉભી થઈ રહી છે. આ ગુણવત્તા વગરનું નિયમોને નેવે મૂકીને થઈ રહેલા કામની ચકાસણી કરવી અને આ વિષયે આગામી સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કર્યા બાદ કોન્ટ્રાક્ટરને નાણા ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
નગરપાલિકાના નવા બિલ્ડિંગના કામમાં ગુણવત્તાના મામલે કરવામાં આવેલા ઉપપ્રમુખના આક્ષેપોને નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર પટેલે પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, નગરપાલિકાનું બિલ્ડિંગ દોઢ વર્ષથી બની રહ્યું છે અને નગરપાલિકાની દેખરેખ હેઠળ કામકાજ થઈ રહ્યું છે. આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે પોલિટિકલ માઈલેજ લેવા માટે ઉપપ્રમુખ આવા ખોટા આક્ષેપો કરે છે.
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના બિલ્ડિંગના બાંધકામ બાબતે સવાલો ઉભા કરવામાં આવતા ચાલુ વર્ષના છેલ્લા દિવસોમાં ફરી એકવાર પાટણ નગરપાલિકામાં રાજકીય ગરમાવો આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.