- પ્રથમ સામાન્ય સભામાં વિરોધ પક્ષે કર્યો વિરોધ
- નિયત સમયે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી શરૂ ન કરતાં વિપક્ષે મચાવ્યો હોબાળો
- કલેક્ટર ઉપર વિપક્ષે ગંભીર આક્ષેપો લગાવ્યા
- ભાજપના સભ્યો મોડા પહોંચ્યા હોવા છતાં ચૂંટણી યોજાતાં મચ્યો હોબાળો
- ચૂંટણી યોજાય તે પહેલાં જ વિરોધ પક્ષે સભાનું વોકઆઉટ કર્યું
પાટણઃ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ ભવન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવા પ્રથમ સામાન્ય સભા મળી હતી. એજન્ડા મુજબ ચૂંટણીનો સમય ૧૧ કલાક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જેને લઇ કોંગ્રેસના સભ્યોએ નિયત સમય પહેલાં જ જરૂરી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી 11 કલાક પહેલાં જ સભાખંડમાં સ્થાન મેળવી લીધું હતું, પરંતુ ભાજપના સભ્યો દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં વિલંબ કરવામાં આવતા સભાખંડમાં હાજર કોંગ્રેસના સભ્યોએ નિયત સમયે જ મતદાનની પ્રક્રિયા કરવા હોબાળો મચાવ્યો હતો. ભાજપના સભ્યોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ 11:30 કલાકે કલેક્ટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા કોંગ્રેસના અશ્વિન પટેલ સભાગૃહમાં ઉભા થઇ ગયા હતા અને ગૃહમાં પૂરતા સભ્યોનું કોરમ હોવા છતાં નિયત સમયે કેમ મતદાન કરવામાં આવ્યું નહીં? અધિકારીઓએ સત્તાધારી પક્ષની તરફેણ કરી તેમના ઉમેદવારોને વિજયી બનાવવા જ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી હોવાના આક્ષેપો સાથે વોકઆઉટ કરી સભા ગૃહનો ત્યાગ કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરત: સામાન્ય સભા દરમિયાન AAP અને ભાજપના કાર્યકર્તાઓનો એકબીજા સામે સૂત્રોચ્ચાર
વિપક્ષના આક્ષેપોને કલેક્ટરે બેબુનિયાદ ગણાવ્યા
કોંગ્રેસના સભ્યોએ સભાગૃહનો ત્યાગ કરવા મામલે કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ૧૧ સભ્યો તેમની જાતે ગૃહમાંથી બહાર નીકળી ગયા છે. કોઈએ તેમને બહાર કાઢ્યા નથી. ગૃહમાં ૧૭ સભ્યો હાજર હોવાથી ચૂંટણી પ્રક્રિયા થઈ શકે છે, જ્યારે સામાન્ય સભામાં ભાજપના ૨૧ સભ્યો હાજર હતા તેમના ઉપર કરવામાં આવેલા આક્ષેપોને બેબુનિયાદ ગણાવી ફગાવ્યા હતા.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભરૂચ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી