પાટણઃ શહેર સહિત જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે જિલ્લાના રસ્તાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. શહેરમાં મુખ્ય માર્ગો તેમજ મહોલ્લા પોળોને જોડતા માર્ગો વરસાદી પાણીમાં ધોવાઇ જતાં રસ્તાઓ ખાડામય બન્યા છે. આ ઠેર ઠેર જોવા મળતા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાંલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આ બિસ્માર રસ્તા પરથી પસાર થતા વાહનો પર અકસ્માતનું સંકટ સતત તોળાતું રહે છે. ત્યારે સોમવારે પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકા કેમ્પસમાં પાલિકાના સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શિત કરી પ્રતિક ધરણા કર્યા હતા.
પાલિકા તંત્ર શહેરના માર્ગો પર પડેલા ખાડાઓ સિમેન્ટ કોંક્રિટથી સત્વરે પૂરવામાં આવે તેવી માગ કરી હતી. પાટણ નગરપાલિકા પરિસરમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસ કાર્યકરોએ પૂર્વ મંજૂરી લીધી ન હોવાને કારણે પોલીસ દ્વારા 6થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો - ઐતિહાસિક નગરી પાટણ હવે બની ખાડા નગરી, જુઓ રોડ રિપોર્ટ
પાટણ: શહેરમાં અનાધાર વરસાદ વરસતા મહોલ્લા, પોળો સહિતના મુખ્ય માર્ગોની હાલત ખરાબ બની ગઇ છે. મગરની પીઠ સમાન બનેલા હિંગળાચાચરથી જૂનાગંજ તરફ જવાનો માર્ગ, જનતા હોસ્પિટલ માર્ગ, કસાવાડાથી મીરા દરવાજા તરફનો માર્ગ, દોશીવટથી ગંજશહીદ પીરનો માર્ગ, કાલી બજાર, રાજકાવડો, બુકડી, સલવિવાડા, રાજમહેલ રોડ સહિતના માર્ગો પણ વરસાદી પાણીના કારણે ધોવાણ થતાં માર્ગો પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. જેને લઇ અહીંથી પસાર થતા વાહનચાલકોની સ્થિતિ કફોડી બની ગઇ છે.