- પાટણમાં આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી
- સર્વે માટે 1,010 ટીમો કરી કાર્યરત
- 4 દિવસમાં સર્વેની કામગીરી થશે પૂર્ણ
- મતદાર યાદી પ્રમાણે કરવામાં આવી રહી છે સર્વેની કામગીરી
પાટણઃ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આગામી સમયમાં કોરોનાની રસીને લઈને રાજ્યભરમાં મતદાર યાદી મુજબની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી વોર્ડ વાઇઝ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર અને આશા વર્કર દ્વારા મતદાર યાદી મુજબ ચૂંટણી કાર્ડ અને અન્ય ફોટો ID પ્રૂફના આધારે 50 વર્ષથી મોટી ઉંમરના અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓની યાદી 2 તબક્કામાં એકત્ર કરવામાં આવી છે. આ ઉપરાંત આ યાદીમાં કોઇ પણ પ્રકારની બીમારી હોય તો તે અંગેની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે.
પાટણમાં 80 ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે
પાટણ શહેરના 13 વોર્ડ માટે 80 ટીમો કાર્યરત કરાઇ છે. આ ટીમો ડોર-ટુ-ડોર જઈ સર્વેની કામગીરી કરી રહી છે. કોરોના રસી આવે ત્યારે તેને સ્ટોરેજ કરવા માટે શહેરમાં પાટણ સિવિલ હોસ્પિટલ અને પેટા આરોગ્ય કેન્દ્ર મળી કુલ 3 સેન્ટરો નક્કી કર્યા છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત લોકોને પણ આ કામગીરીમાં સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જિલ્લામાં 73 વેક્સિન સ્ટોરેજ ઉભા કરાયા
ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં પ્રથમ તબક્કામાં જિલ્લાના 8,326 કોરોના વોરિયર્સનું રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 1,331 બૂથ પર 723 વેક્સિનેટર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ 73 જેટલા વેક્સિન સ્ટોરેજ પણ ઉભા કરવામાં આવ્યા છે.