પાટણ: ચાણસ્મા નગરપાલિકા સિવિલ એન્જિનિયર દ્વારા સરકારી કામોનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેના બિલની ચુકવણી માટે ચીફ ઓફીસર સંજયભાઇ હાથીભાઈ પટેલ અને મ્યુનિસિપલ ઈજનેર ( કરાર આધારિત ) મનીષભાઈ બાબુભાઈ દેસાઈએ બિલની ચુકવણી માટે રૂપિયા 70 હજારની લાંચની માંગણી કરી હતી. પરંતુ સિવિલ એન્જિનિયર એવા ફરીયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોઇ તેઓએ પાટણ એસીબીનો સંપર્ક કરી સઘળી હકીકત એસીબી સમક્ષ રજૂ કરી હતી.
"સિવિલ એન્જિનિયર દ્વારા થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનનું કામ કરવામાં આવ્યું હતું જેના બિલના નાણાં પાસ કરવા માટે આ બંને અધિકારીઓ લાંચ પેટે 70000 રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીની ફરિયાદને આધારે અમોએ છટકું ગોઠવી કરાર આધારિત મ્યુનિસિપલ ઇજનેર ને રંગે હાથ ઝડપી લીધો છે. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર ન મળતા તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે."--એમ જે ચૌધરી (એસીબી પીઆઇ)
Acb છટકું ગોઠવ્યું: એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ પાટણ એસીબી પી.આઇ. એમ.જે.ચૌધરી છટકું ગોઠવ્યું હતું. છટકા મુજબ ચાણસ્મા નગર સેવા સદનમાં આજે મ્યુનીસીપલ ઇજનેર મનીષભાઇ દેસાઇએ હેતુલક્ષી વાતચીત કરી ચીફ ઓફીસર સંજયભાઈ હાથીભાઈ પટેલ વતી રૂપિયા 70 હજાર લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારતા પાટણ એસીબી પીઆઇએ.જે.ચૌધરીના છટકામાં રંગેહાથ નગર સેવા સદન પરથી ઝડપાઇ ગયા હતા.
ત્રણ અધિકારીઓને રંગે હાથ: એક મહિનામાં જિલ્લામાં ત્રણ ટ્રેપ અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનામાં જિલ્લાની વિવિધ કચેરીમાંથી લાંચિયા અધિકારી ઝડપાયા છે. પાટણ એસીબી કચેરી દ્વારા છેલ્લા એક મહિનામાં જિલ્લામાં અલગ અલગ કચેરીમાંથી ત્રણ અધિકારીઓને રંગેહાથ ઝડપી લીધા છે.