પાટણ : જિલ્લામાં 3 વર્ષથી વધુ સમય નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા આનંદ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન લોકસેવા, પ્રકૃતિપ્રેમ, અતિવૃષ્ટિ સહિતની કુદરતી આપદાઓ સામે બજાવેલી ફરજને બિરદાવવા શહેરની વિવિધ સંસ્થાઓ, બિલ્ડર એસોસિએશન અને વેપારી મંડળ દ્વારા સહસ્ત્ર તરુવન ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં વિવિધ સંસ્થાના પદાધિકારીઓ તથા બિલ્ડરો અને વેપારીઓએ તેમને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. સન્માનથી ગદ ગદિત બનેલા જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક પાટણની પાવનભૂમિ એવી છે કે, અહીં ગમે તેટલો પરિશ્રમ કે દોડધામ કરી એમ છતાં શરીર પર થાક કે માનસિક તણાવનો અહેસાસ થતો નથી. આ પાવન ભૂમિ પર વસવાટ કરતા દરેક લોકોમાં માનવસેવાના ગુણો છે. શહેરમાં અનેક સંસ્થાઓ હોવા છતાં તમામનું લક્ષ્ય માત્ર માનવ સેવા તરફ જ કેન્દ્રિત હોય છે.
આર્થિક રીતે સદ્ધર શ્રીમંતો પૈસા થકી, શ્રમજીવીઓ પોતાની મહેનત થકી, તો કેટલાક પોતાના આદર્શ વિચારોથી એકમેકને મદદરૂપ બને છે અને આપદાને અવસરમાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે. આમ પાટણના લોકોમાં નાગરિક ધર્મની મૂળભૂત ભાવના રહેલી છે.
આણંદ પટેલે સહસ્ત્ર તરુવન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ જગ્યાનું ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. પાટણના શહેરીજનો સાથે આત્મીયતાના તાંતણે બંધાયેલા આનંદ પટેલને ઢોલ-નગારાના તાલે પુષ્પવર્ષા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે આનંદ પટેલે પાટણની ભૂમિને વંદન કર્યા હતા.