પાટણઃ જિલ્લા મંડપ અને કેટર્સ એસોસિએશને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં 500 માણસોની છૂટ આપવાની માગ કરવામાં આવી છે.
ગુરુવારે પાટણ જિલ્લા મંડપને કેટરિંગ એસોશિએશનના સભ્યો કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્લેકાર્ડ અને બેનરો લઇ પહોંચ્યા હતા અને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. ગત 7 મહિનાથી મંડપ અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાપારીઓએ કોઇપણ જાતનો ધંધો કર્યો નથી. જેના કારણે આ તમામ વેપારીઓની આર્થિક સ્થિતિ કથળી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ તમામ વેપારીઓ નાણાકીય ભીડને કારણે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સરકારે covid-19ના નિયમોને આધારે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં 100 વ્યક્તિઓની છૂટ આપી છે. તે સંખ્યામાં વધારીને 500 કરવામાં આવે તેવી અમારી માગ છે.
ગત 7 મહિનાથી મંડપને કેટેરિંગના ધંધા બંધ હોવાને કારણે વેપારીઓએ લીધેલી લોનના હપ્તા ચૂકવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. આ સાથે જ આ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય પરિવારોને ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બન્યું છે.