- પાટણથી દ્વારકા એક્સપ્રેસ બસ સેવાનો થયો પ્રારંભ
- ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી
- જિલ્લાના લોકોને દેવભૂમિ દ્વારકાની યાત્રાનો મળશે લાભ
પાટણ: પંથકની પ્રજા ભગવાન દ્વારિકાધીશના દર્શને સરળતાથી અવર-જવર કરી શકે તે માટે પાટણ એસ.ટી. ડેપો દ્વારા પાટણથી દ્વારકા સુધી એક્સપ્રેસ બસ સેવાનો સોમવારે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવી હતી. આ બસ પાટણથી દરરોજ સવારે 6:00 કલાકે ઉપડશે જે ચાણસ્મા, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જામનગર અને જામ ખંભાળિયા થઇને સાંજે 5:30 કલાકે દ્વારકા પહોંચશે. આ બસ નાઈટ હોલ્ડ દ્વારકા કરશે અને બીજા દિવસે સવારે 8:15 કલાકે ઉપડશે અને સાંજે 7.45 કલાકે પાટણ પરત આવશે. પાટણથી દ્વારકાનું એક તરફનું ભાડું 267 રૂપિયા નિયત કરાયું છે.
પાટણથી દ્વારકાનું ભાડું 267 રૂપિયા
પાટણ ડેપો મેનેજર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, આ બસ સેવા શરૂ કરવા માટે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆતો મળી હતી. જેને અનુસંધાને એસટી નિગમ દ્વારા આજે આ બસ સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં કોવિડના નિયંત્રણ હળવા થતાં નિગમની તમામ બસોમાં 100 ટકા સંચાલન ચાલુ છે. પાટણ ડેપોને નિગમ દ્વારા વધુ સ્ટાફની ફાળવણી બાદ રાજ્યના અન્ય યાત્રાધામોને જોડતી બસ સેવાઓ શરૂ કરવામાં આવશે.
યાત્રાળુઓ સાંજે પહોંચી દર્શન કરી સવારે આ જ બસમાં પરત આવી શકશે: કે.સી.પટેલ
દેવભૂમિ દ્વારકા એસટી બસને લીલી ઝંડી આપતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, દ્વારકા બસ સેવા શરૂ થતા પાટણથી ભગવાન દ્વારકાધીશના દર્શને જતાં યાત્રાળુઓ ભગવાનના દર્શન કરી રાત્રિરોકાણ દ્વારકામાં કરી બીજા દિવસે સવારે આ જ બસમાં પરત આવી શકે તે રીતનો આખો રૂટ પાટણ એસટી ડેપો દ્વારા ગોઠવવામાં આવ્યો છે.
ચોટીલા જતા યાત્રાળુઓને આ બસ વિશેષ ઉપયોગી થશે
પાટણમાંથી ચોટીલા દર્શને જતા યાત્રાળુઓ માટે પણ આ બસ ઉપયોગી થશે. સાથે સાથે દ્વારકા પંથકના લોકો કે જે શક્તિપીઠ બહુચરાજી ખાતે દર્શને આવે છે તેવા યાત્રાળુઓ માટે પણ આ બસ ઉપયોગી થશે. પાટણ દ્વારકા રૂટની બસ સેવા દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. પાટણથી સૌરાષ્ટ્ર તરફ જનારા અને સૌરાષ્ટ્રથી પાટણ તરફ આવનારા પ્રવાસીઓ માટે પણ સુવિધા બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ ડેપો દ્વારા પવિત્ર યાત્રાધામો જેવા કે અંબાજી, બહુચરાજી, અંજાર અને નડાબેટની બસ સેવાઓ ચાલુ છે.