- વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારોનો અનોખો ચૂંટણી પ્રચાર
- ગત ટર્મમાં આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યાં હતાં
- 5 વર્ષમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રજાલક્ષી કામો ન કરતાં રહીશોમાં રોષ
- મતદારોના રોષને ઠારવા ભાજપના ઉમેદવારો આપી રહ્યાં છે ગુલાબ
પાટણઃ વર્ષ 2015માં યોજાયેલી પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલના ઉમેદવારો વિજેતા બન્યા હતા, પરંતુ 5 વર્ષમાં ઉમેદવારો દ્વારા આ વિસ્તારમાં પ્રજાલક્ષી કામો કરવામાં આવ્યા ન હોવાને કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના લોકોના અસંતોષને દૂર કરવા અને રોષ ઠારવા માટે ભાજપના ઉમેદવારોએ આજે ડોર ટૂ ડોર સ્થાનિકોને પ્રેમના પ્રતીક સમાન ગુલાબ આપી રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ આ વોર્ડમાંથી ભાજપની પેનલ વિજેતા બનશે તો સરકારની તમામ સહાયનો લાભ આ વિસ્તારના લોકોને પહોંચાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુલાબથી કમળ ખીલવવાનો ભાજપનો પ્રયાસ સફળ થશે?
આમ ભાજપના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા નવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે ગુલાબ દ્વારા કમળ ખીલવવાનો પ્રયાસ કેટલો સાર્થક નીવડે છે એ તો ચૂંટણી પરિણામો જ નક્કી કરશે.