પાટણ: ધર્મના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ખીલવાડ કરનારા આજના ટેકનોલોજીના યુગમાં પણ જોવા મળી રહ્યા છે. આવા ઠગ ભગતો પોતાના સ્વાર્થ ખાતર ભોળા લોકો સાથે છેતરપિંડી કરે છે. ત્યારે પાટણના ખોડાણા ગામમાં બની બેઠેલા ઠગ ભુવાએ યુવતી પર દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી છે.
"આ યુવતી સાત મહિના અગાઉ એક યુવક સાથે ભાગી ગઈ હતી. જેને ખેરાલુ પોલીસ મહારાષ્ટ્રમાંથી પકડી લાવી હતી. યુવતીની ઉંમર નાની હોવાથી પોલીસે પોકસો દાખલ કરી ત્યાર બાદ સગીરાને 164 ના નિવેદન માટે કોર્ટમાં લઈ જવામાં આવી. ત્યારે સગીરાએ પોતાના ઉપર ભુવાજીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેથી કોર્ટે આ બાબતે ફરિયાદ નોંધવા ખેરાલુ પોલીસને હુકમ કરતા પોલીસે ફરિયાદ નોંધ ઝીરો નંબર થી વાગડોદ પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરી છે. જેથી આરોપી ભુવાજીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે."-- (પી.એસ.આઈ. લીંબચીયા)
પોલીસ ફરિયાદ મુજબ: પોલીસ ફરિયાદ મુજબ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને ગામનો જ યુવાન ભગાડી ગયો હતો. જે ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે નોંધાતા યુવાન અને યુવતીને પોલીસ પકડી લાવી હતી. યુવતીના માતા - પિતાને સોંપી હતી . પરીવારજનો યુવતીને ઇકો ગાડીમાં સિદ્ધપુર તાલુકાના મહીસર ( મેસર ) ગામે મામાના પુત્રના ઘરે લઇને આવ્યા હતા.
ભુવાએ યુવતીને હવસનો શિકાર બનાવી: જયાંથી ખોડાણા ગામ ભુવાજી પ્રભાતજી ઠાકોર પાસે લઇને આવ્યા હતા. આ સમયે ભુવાએ કહેલ કે , તમારી છોકરીને હું પાછી લાવ્યો છું. અને થેલામાંથી ઘુપ સહિતની સામગ્રી કાઢી પરીવારજનોથી યુવતીને દુર લઇ ગયો હતો. ત્યાં શરીર ઉપર લીંબુ ફેરવીને ત્યારબાદ ફરી પરીવારજનો પાસે લઇ જઈ અગરબત્તી રાખનું પાણી પીવડાવી ફરી યુવતીને પરીવારજનોથી દુર રુમની બહાર લઇ ગયેલો હતો. યુવતીને સોગંદ આપી વિધિ કરવાના બહાને તેણીના શરીર સાથે શારીરિક અડપલા કર્યા હતા. મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ભુવાજીએ યુવતીને કહેલ કે , હું એવી વિધિ કરીશ કે તું અને રાકેશજી એક થઇ જશો. બંનેને સાથે આવવા જણાવી મોબાઈલ નંબર પણ આપ્યો હતો.
ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ: ભોગ બનનાર યુવતીએ ભુવાજી વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સી.આર.પી.સી. કલમ 164 મુજબ ખેરાલુ કોર્ટમાં રજુ કરી હતી. જજ સાહેબ રુબરુ તેણીનું નિવેદન નોંધાવી ગુનો નોંધી ફરિયાદ નોંધી હતી. વાગડોદ પોલીસને ટ્રાન્સફર કરતા પી.એસ.આઇ. લીમ્બાચીયા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.