પાટણઃ જિલ્લાના હારીજ તાલુકાના અમરતપુરા ગામના બુટલેગર અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા મંગળજી કાનાજી ઠાકોરની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્તના પગલે આ યુવકની ધરપકડ કરી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવાયો છે.
જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે સક્રિય પ્રયાસો થઇ રહ્યા છે. કોરોના વાઇરસની વચ્ચે સમગ્ર પોલીસ તંત્ર સજાગ રીતે લોકડાઉનનું પાલન કરાવી રહ્યું છે.
આ સાથે જ ગુનાખોરીને ડામવા માટે અન્ય કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે. આવી જ કાર્યવાહીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ગેરકાયદેસર રીતે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ અને રીઢા ગુનેગાર એવા મંગળજી ઠાકોર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલને દરખાસ્ત કરી હતી. જે સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટને તેની વિરૂધ્ધ પાસાની કાર્યવાહી માટે પૂરતા કારણો જણાતાં પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમને પગલે સ્થાનિક પોલીસે મંગળજી ઠાકોરની ધરપકડ કરી સુરત જિલ્લાની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.