પાટણ: પાટણ શહેરમાં સોમવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 33 થઈ છે. જ્યારે જિલ્લામાં કુલ સંખ્યા 103 થઈ છે. શહેરની વધુ એક ગાયનેક હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર અને રાજમહેલ રોડ ઉપર આવેલી મહાવીર નગર સોસાયટીમાં રહેતા 49 વર્ષીય પુરૂષ કોરોનાગ્રસ્ત બન્યા છે. શહેરમાં 2 ગાયનેક ડૉક્ટર સહિત 4 ડૉક્ટર કોરોનાના શિકાર બનતા ચિંતા પ્રસરી છે. જ્યારે કોરોનાગ્રસ્ત 2 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી છે.
નવજીવન હોસ્પિટલમાં રહેતા અને રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા રમેશભાઇ ચૌધરીને તાવ, ખાંસી, માથાના દુખાવા સાથે કોરોનાના લક્ષણો દેખાતાં ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજમહેલ રોડ ઉપર આવેલી મહાવીર નગર સોસાયટીમાં રહેતાં 49 વર્ષીય મયુરભાઈ ઘીવાળાને શરદી ખાંસી તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કોરોનાગ્રસ્ત પાટણના 52 વર્ષીય પુરુષ અને સંડેર ગામની 36 વર્ષીય મહિલાએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થતાં આ બંને દર્દીઓને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 103 કેસ થયા છે. જ્યારે પાટણ શહેરમાં 33 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 8 લોકોના મોત થયાં છે. જ્યારે 73 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ બન્યા છે. હાલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે અને 245 કેસોના ટેસ્ટ ટેમ્પલ પેન્ડિંગ છે.