પાટણઃ શહેરમાં રોડ રસ્તા પૈકીના નડતર હોય તેવા વર્ષો જૂના અને લોકોના આસ્થાનું કેન્દ્ર બનેલા નાના-મોટા ધાર્મિક સ્થળોને સુપ્રીમ કોર્ટના આદેશથી દબાણ ગણીને દૂર કરવા બાબતે પાટણ પ્રાંત અધિકારીની મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ પાટણ શહેરના અલગ-અલગ વિસ્તારો આવેલા ધાર્મિક સ્થળો જેવા કે, રાણીની વાવ રોડ પર આવેલા ઝાપડા દાદાનું મંદિર, કનસડા ચોક પાસે આવેલા જોગણીમાતાનું મંદિર, રેલવે સ્ટેશન રોડ પર આવેલ બાલા હનુમાન મંદિર સહિતના 23 ધાર્મિક સ્થાનો તોડવા માટેની યાદી નગરપાલિકાએ તૈયાર કરીને તમામ ધાર્મિક સ્થાનોના વહીવટ કર્તાઓને આ દબાણ દૂર કરવા 7 દિવસની મહેતલ આપતી નોટિસ જારી કરી છે. જેને કારણે તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાટણ વહીવટી તંત્રના આદેશ અનુસાર નગરપાલિકા દ્વારા 23 ધાર્મિક સ્થાનો દૂર કરવા માટેની નોટિસો જારી કરી છે. જેને લઇ શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે ભરત સાલવી જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં ધાર્મિક સ્થાનો સિવાય અનેક સળગતા પ્રશ્નો છે, જેવા કે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યા વિકટ બની છે.
ઉલ્લેખનીય છે કે, અનેક ગેરકાયદેસર બિલ્ડિંગો છે તેવા પ્રશ્નો તંત્ર દ્વારા ઉકેલવામાં આવતા નથી. ત્યારે આ મંદિરો વર્ષો જૂના છે અને લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે આવા ધાર્મિક સ્થળો તોડવા કેટલા અંશે યોગ્ય કહેવાય???