- ઓનલાઇન પરીક્ષાની માગ સાથે વિદ્યાર્થીઓ અને ABVPએ મચાવ્યો હોબાળો
- HNG યુનિવર્સિટીના સત્તાધીશોને પરીક્ષામાં મામલે અનેકવાર રજૂઆતો કરાઇ હતી
- કોઈ નિર્ણય ન લેવાતા ABVPએ HNG યુનિવર્સિટીને કરી તાળાબંધી
- વિદ્યાર્થીઓની માગ : ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ આપો
પાટણ : શહેરમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલીક પરીક્ષાઓ કોરોના મહામારી વચ્ચે ઓફલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઇ છે. ત્યારે B.A., B.Com. સેમેસ્ટર -5 અને M.Sc. ITની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગણી સાથે એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી રહ્યા છે.
યુનિવર્સિટીના કુલપતિ વિરોધ સૂત્રોચાર પોકારી દેખાવો
આ સાથે વહીવટી ભવન પાસે પ્રતિક ઉપવાસ પણ કરી રહ્યા હતા. તેમ છતાં વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મામલે કોઇ જ નિર્ણય ન લેવામાં આવતા શનિવારે વિદ્યાર્થીઓની સાથે ABVBના કાર્યકરો પણ જોડાયા હતા. યુનિવર્સિટી વહીવટી ભવન પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઇ યુનિવર્સિટીના કુલપતિ વિરોધ સૂત્રોચાર પોકારી દેખાવો કર્યા હતા. ABVBના કાર્યકરોએ યુનિવર્સિટીના વહીવટી ભવનને તાળાબંધી કરી ઓનલાઇન પરીક્ષાની માંગણી કરી હતી.
પોલીસની હાજરી હોવા છતાં યુનિવર્સિટીના વહીવટી ભવનના તાળા ન ખુલ્યા
યુનિવર્સિટીમાં ABVBના કાર્યકરોએ વહીવટી ભવનને તાળાબંધી કરતા કુલપતિએ પોલીસને જાણ કરી હતી. જે બાદ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક યુનિવર્સિટી ખાતે આવી પહોંચી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ક્લાસ ઓનલાઇન લેવામાં આવે છે, તો પરીક્ષા કેમ નહીં. જો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી. આ દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં યુનિવર્સિટીનું વહીવટી ભવન બંધ રહેતા પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા થયા હતા.
ઓનલાઇન પરીક્ષા મામલે HNGUના વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે પ્રતિક ભૂખ હડતાલ પર
15 ડિસેમ્બર : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.A., B.Com. સેમેસ્ટર 5 તથા M.Sc. ITની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગણી સાથે યુનિવર્સિટી કેમ્પસમાં સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ પ્રતીક ભૂખ હડતાલ પર બેઠા હતા અને જ્યાં સુધી પરીક્ષાનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી ભૂખ હડતાલ કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે.