પાટણ: ધારપુર સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદીએ આજે વોર્ડના બાથરુમમાં નહાવા જવાનું કહી રહસ્યમય રીતે આત્મહત્યા કરી લેતા ભારે ખળભળાટ મચ્યો છે. બનાવને પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ધારપુર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આ અંગે બાલીસણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
"બી ડિવિઝન પોલીસ મથકે બાઈક ચોરીના ગુનામાં આરોપી જીતુભા વાઘેલાને લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી સુજનીપુર સબ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે આત્મહત્યા કરી છે. તે બાબતે બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. કેદીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે" -- કે કે પંડ્યા ( પાટણ ડીવાયએસપી)
જીવનલીલા સંકેલી લીધી: બનાસકાંઠા જિલ્લામાં ઉમરી ગામના બાઇક ચોરને તાજેતરમાં જ પાટણ શહેર બી ડીવીઝન પોલીસે પકડયો હતો. પાટણની સુજનીપુર સબજેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત લથડતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પોલીસ જાપ્તા સાથે ખસેડવામાં આવ્યો હતો. સુજનીપુર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે ચોરીના ગુનામાં લવાયેલા કાંકરેજ તાલુકાના ઉમરી ગામના જીતુભા કેશાજી વાઘેલ ની તબિયત લથડતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ધારપુર હોસ્પિટલના કેદી વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે તેણે ફરજ પરના પોલીસ કર્મચારીને ન્હાવા માટે જવું છે તેમ જણાવી આત્મહત્યા કરી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.