- જિલ્લામાં કોરોના સંક્રમણને અનુલક્ષી મુખ્યપ્રધાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી
- ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 42 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત
- દર્દીના ઓક્સિજન સ્તરની દેખરેખ રાખવા માટે મોનિટર્સ પણ વસાવ્યા
પાટણ : જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવા માટે સૂચન કર્યું હતું. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે 42 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવ્યું છે.
ઓક્સિજનની લાઈન સાથે જોડવા ઓક્સિજન એટેચમેન્ટ મંગાવવામાં આવ્યા
કેન્સર ઇન્સ્ટીટ્યુટમાં આ હોસ્પિટલને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનથી 24 કલાકથી પણ ઓછા સમયમાં ઊભું કરવામાં આવ્યું છે. કેન્સર ઇન્સ્ટીટ્યુટમાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તાબડતોબ ઓક્સિજનયુક્ત સારવાર દર્દીઓને મળી રહે એ માટે ઓક્સિજનની લાઈન સાથે જોડવા માટેના ઓક્સિજન એટેચમેન્ટ મંગાવવામાં આવ્યા છે. દાખલ દર્દીના ઓક્સિજન સ્તરની દેખરેખ રાખવા માટે મોનિટર્સ પણ વસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આવેલા દર્દીનું તરત જ ઓક્સિજન માપીને ઝડપી સારવાર આપવા માટે ઓક્સિમીટર અને ઓક્સિજન માસ્ક વગેરેની વ્યવસ્થા ખૂબ જ ટૂંકા ગાળામાં કરવામાં આવી છે.
આ પણ વાંચો : મુખ્યપ્રધાને દર્દીઓના સગાઓને હિંમત આપતા કહ્યું- રાજ્ય સરકાર હંમેશા દર્દીઓની પડખે ઉભી છે
હોસ્પિટલ દર્દીઓની સેવામાં 24 કલાક હાજર
આ કોવિડ હોસ્પિટલ ઉભી કરવા માટે બેડ, પથારી, ધાબળા, ચાદર કોવિડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. સિદ્ધપુરની આ હોસ્પિટલમાં 4 ડૉક્ટર્સ, 15 નર્સિંગ સ્ટાફ અને 15 કોવિડ સહાયક દાખલ દર્દીઓની સેવામાં 24 કલાક હાજર રહેશે.
કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીએ આ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી
કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીએ આ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈને તાત્કાલિક કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે જ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, સિધ્ધપુર પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગુલી, સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર ધર્મેન્દ્ર શાહ અને ડૉક્ટર ભરત ગોસ્વામીએ યુદ્ધના ધોરણે કોવિડ હોસ્પિટલ શરૂ થાય એ માટે ભારે જહેમત ઊઠાવી હતી.
આ પણ વાંચો : પોરબંદર જિલ્લામાં બહારથી આવતા દર્દીઓની સંખ્યા વધતા 50 બેડ વધારાશે
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો
કોરોનાના કપરા સમયમાં જ્યારે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના સીધા દિશા-નિર્દેશથી પાટણ જિલ્લાવહીવટી તંત્ર દર્દીઓને ઉત્તમ સારવાર આપવા કટીબદ્ધ બન્યું છે.