- મહેસાણાથી ST ડેપોના કંડક્ટરનું અપહરણ
- પાટણ SOG પોલીસે 4 અપહરણકર્તાઓને દબોચ્યા
- કંડક્ટરને પાટણના ગેસ્ટ હાઉસમાં બંધક બનાવ્યો હતો
- અપહરણકર્તાઓએ કંડક્ટરનો અભદ્ર વિડીઓ ઉતાર્યો
મહેસાણા: મહેસાણા એસ.ટી. ડેપો (ST Depot)માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મંડાલી ગામના ઇકબાલખાન પઠાણનું અપહરણ કરી અભદ્ર વિડીયો ઉતારી પાટણ ખાતેના ગેસ્ટહાઉસમાં પુરી દઈ ATM કાર્ડ અને મોબાઇલ મારફતે ગૂગલ પે (Google Pay)થી કુલ રૂપિયા 1,40,000 ઉપાડી લેવાના ચકચારી બનાવમાં સંડોવાયેલ 4 આરોપીઓને પાટણ SOG પોલીસે ઝડપી લીધા હતા. કંડક્ટરને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી રોકડ રૂપિયા 1,28,500, પલ્સર બાઇક તથા મોબાઇલ નંગ -5 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાત્રે ઘરે જતા હતા ત્યારે થયું અપહરણ
એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મંડાલી ગામના ઇકબાલખાન સવાઈખાન પઠાણ પોતાની નોકરી પૂર્ણ કરી રાત્રિના સમયે ઘરે જતા હતા ત્યારે મોબાઇલ એપ દ્વારા સંપર્કમાં આવેલા આર્યન ગોવિંદભાઈ ચૌધરી રહે.ધિણોજીવાળાએ તેમને મહેસાણા હાઇવે ઉપર આવેલા ડીમાર્ટ પાસે બોલાવ્યા હતા, જયાંથી બાઇક ઉપર બેસાડી ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં હાજર અન્ય 3 શખ્સોએ તેમના કપડા ઉતારી વિડીયો બનાવ્યો હતો.
પાટણ ખાતે ગેસ્ટહાઉસમાં બંધક બનાવાયા
વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા અઢી લાખની માંગણી કરી પાટણ ખાતે શ્રીદેવ કોમ્પલેક્ષમાં આવેલા બ્લ્યુ ગેલેક્ષી ગેસ્ટહાઉસમાં લાવીને તેમને એક રુમમાં બંધક બનાવ્યા હતા. દરમિયાન પાટણ SOG.ના હેડ કોન્સ્ટેબલ અબ્બાસખાન કરીમખાનને બાતમી મળી બતી કે બ્લ્યુ ગેલેક્ષી ગેસ્ટહાઉસમાં 4 શખ્સો એક શખ્સને અપહરણ કરીને લાવ્યા છે અને રુમમાં બંધક બનાવ્યો છે, જેના આધારે SOG PI આર.કે. અમીન, PSI. જે.જી. સોલંકી સહિતના સ્ટાફના માણસો બ્લ્યુ ગેલેક્ષી ગેસ્ટહાઉસ દોડી ગયા હતા.
4 ઇસમોને ઝડપ્યા
SOGએ ઇકબાલખાન પઠાણને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી આર્યન ઉર્ફે ભુરો ગોવિંદભાઈ ચૌધરી ( રહે . ધિણોજ ), રાજ ગણેશભાઇ ચૌધરી ( રહે . મણુંદ ) બાદલ ઓમ પ્રકાશભાઇ ચૌધરી, ( રહે.પાટણ ) તથા મૌલિકભાઇને દબોચી લીધા હતા. કંડક્ટરની ફરિયાદને આધારે પોલીસે 4 ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
1,28,000 રૂપિયા રીકવર કર્યા
આ ચારેય અપહરણકારો પાસેથી પોલીસે ઇકબાલખાન પઠાણના એ.ટી.એમ. કાર્ડમાંથી બળજબરીપૂર્વક ધાક - ધમકીથી કઢાવેલા રૂપિયા 40,000 તેમજ મોબાઇલમાંથી ગૂગલ પે મારફતે કઢાવેલા રૂપિયા 1 લાખ મળીને કુલ રૂપિયા 1,40,000/ માંથી રૂપિયા 1,28,000 રીકવર કરી ગુનામાં વપરાયેલી બાઇક, મોબાઇલ નંગ -5 જપ્ત કરી, ઇકબાલખાન સવાઈખાન પઠાણની ફરીયાદને આધારે ઇ.પી.કો. કલમ 342 , 346 , 365 , 386 , 387 , 294 ( B), 506 (2), 120 (B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં દારૂની પરમિટ ધરાવનાર 360 લોકો પૈકી 3 વિદેશીઓનો પણ સમાવેશ
આ પણ વાંચો: મહેસાણામાં હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ યુવકનું મોત થતા પોલીસ તપાસનો ધમધમાટ