પાટણ: પાટણ શહેરમાં શનિવારે કોરોનાગ્રસ્ત એક વૃદ્ધાનું મોત થયું છે. જ્યારે વધુ 3 પુરુષોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પાટણમાં કુલ કોરોના કેસની સંખ્યા 41 થઈ છે. જ્યારે જિલ્લાનો આંકડો 110 ઉપર પહોંચ્યો છે. વધુ એક મોત સાથે પાટણ શહેરનો મૃત્યુ આંક 8 અને જિલ્લાનો મૃત્યુ આંક 11 થયો છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે મહિલાઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા બંનેને રજા આપવામાં આવી હતી.
પાટણ શહેરના ચાચરીયા ચોકમાં રહેતા કુસુમબેન મોદીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ગત તા ૧ જૂનના રોજ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે શનિવારે સવારે સારવાર દરમિયાન આ વૃદ્ધ મહિલાનું મોત નીપજયું હતું. તો પાટણ શહેરના રસણીયાવાડા વિસ્તારમાં હેર કટીંગ સલૂનની દુકાન ધરાવતા 57 વર્ષીય રમેશભાઈને તાવ, ખાંસીની તકલીફ જણાતા ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે કોરોના પોઝિટિવ આવતા તેના રહેણાક વિસ્તાર પંચોલી પાડો, તથા હેર કટીંગ સલૂનની દુકાનમાં સંપર્કમાં આવેલા લોકોનો સર્વે કરી આ વિસ્તારમાં સેનિટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત પાટણના ટેલિફોન એક્સચેન્જની પાછળ આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા 66 વર્ષીય ગુણવંતલાલ પૂંજીરામ લુહાર અને પાટણ-ડીસા હાઇવે પર આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય પટેલ જીગ્નેશભાઈ કરસનભાઈને ખાંસી સાથે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા સારવાર અર્થે ખસેડી બંનેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર આ બંને વિસ્તારોમાં દોડતું થયું હતું.
ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રણુજ ગામની 48 વર્ષની અને કલ્યાણા ગામની 54 વર્ષીય મહિલાએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા આ બંને મહિલાઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.