- પાટણમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો
- ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રાંત કચેરી ખાતે ભારે ધસારો જોવા મળ્યો
- ફોર્મ ભરવાના અંતિમ દિવસે 86 ફોર્મ ભરાયાં
પાટણ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પાટણ નગરપાલિકાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારોએ જે-તે રોડ વિસ્તારમાં રેલી સ્વરૂપે ફર્યા હતા અને લોક સમર્થન મેળવી પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભરવા આવતા સમગ્ર વિસ્તાર ભાજપમય બની ગયો હોય તેમ ઉમેદવારો અને તેમના સમર્થકો માથે કેસરી સાફા અને હાથમાં ભાજપના ઝંડા લઈ વાજતે ગાજતે કચેરીએ ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. જો કે પ્રાંત કચેરીમાં સરકારની કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે ઉમેદવારની સાથે 4 સમર્થકોને સેનિટાઇઝ કરી ટેમ્પરેચર ગનથી સ્કેનિગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેથી ઉમેદવારોએ પણ તબક્કાવાર પોતાના ઉમેદવારીપત્રો પ્રાંત અધિકારીને સુપ્રત કર્યાં હતાં.
કોંગ્રેસ ધારાસભ્યએ ઉમેદવારોના મેન્ડેડ ચૂંટણી અધિકારીને કર્યાં સુપ્રત
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે બપોરના સમયે પ્રાંત કચેરી ખાતે રૂબરૂ આવી 11 વૉર્ડના 44 ઉમેદવારો અને ડમી ઉમેદવારોના મેન્ડેડ ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા હતા. આ સમયે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ચૂંટણી લડવા ઇચ્છુક તમામ ઉમેદવારોના મેન્ડેડ રજૂ કરાયા છે. ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ પાર્ટી દ્વારા પારદર્શિતાના ધોરણે કરવામાં આવી છે. પક્ષના વફાદાર હોય તેમને ટિકિટ આપવામાં આવી છે. પક્ષ સાથે ગદ્દારી કરનારાને ટિકિટ અપાઈ નથી. નગરપાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ભાજપના ઉમેદવારો ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવાં આવ્યાં
ફોર્મ ભરવાનો છેલ્લો દિવસે ભાજપ છવાયેલી રહી હતી, પ્રાંત કચેરી બહાર ઠેરઠેર સાફા અને ઝંડાધારી ભાજપના આગેવાનો કાર્યકરો અને ઉમેદવારો અને સમર્થકો નજરે ચડતા હતા. જેને લઇ સરકારના નીતિ-નિયમોનો છડેચોક ભંગ થતો જોવા મળ્યો હતો.