પાટણ :પાટણ શહેર સહિત જીલ્લામાં કોરોનાના ક્હેર વચ્ચે આજે પાટણના કોરોના ગ્રસ્ત યુવાનનું મોત નિપજતા જિલ્લામાં મૃત્યુ આક 4 થયો છે.
જ્યારે છેલ્લા એક સપ્તાહથી એકી સંખ્યામાં નોંધાતા કોરોના પોઝિટિવ કેસોમાં આજે એકા એક ઉછાળો આવ્યો હતો અને એકી સાથે 11કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 66 પહોંચતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.આજે નોંધાયેલા 11 પોઝિટિવ કેસોમાં આઠ મહિલા અને ત્રણ પુરુષ દર્દીઓનો સમાવેશ થાયો છે. જિલ્લામાં એકમાત્ર સાંતલપુર તાલુકો જ સંક્રમણમાં સલામત રહ્યો છે. બાકીના તમામ તાલુકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
પાટણ શહેરના મીરા પાર્ક સોસાયટીમાં રહેતો અને કોરોના પોઝિટિવની સારવાર લઈ રહેલા 31 વર્ષના યુવાનનું આજે સવારે મોત નિપજયું હતું. જ્યારે આજે શહેર સહીત જીલ્લામાં કોરોના પોઝિટિવ કસોમાં વધારો થયો છે. જેમ પાટણ શહેરમાં 3, જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર 2,સરસ્વતી તાલુકાના કાતરાસરા ગામ માં 1,ધારપુરમાં 3, શંખેશ્વરમાં 1 અને શંખેશ્વર તાલુકાના પાડલા માં 1 મળી એક જ દિવસમાં 11 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલા સારથી એસ્ટેટના 35 નંબરના મકાનમાં રહેતા અને અમદાવાદ બોપલ ખાતે સ્થાયી થયેલા યુવાન ગત તારીખ 11 મી એપ્રિલના રોજ પાટણ આવ્યો હતો અને 13મી એપ્રિલના રોજ પરત ગયો હતો અને ગત રોજ તેના નિવાસસ્થાને આવે તે પહેલા ધારપુર હોસ્પિટલમાં રીપોર્ટ કઢાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
જેને લઇ આરોગ્યની ટીમના કર્મચારીઓએ તેના નિવાસસ્થાને પહોંચી જઈ આસપાસના મકાનોના રહીશોનો સર્વે હાથ ધર્યો હતો. તકેદારીના ભાગરૂપે સારથી એસ્ટેટ સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ વિસ્તારની ત્રણ જેટલી સોસાયટીઓને બફર ઝોન જાહેર કરવામાં આવી છે. શહેરના મીરા પાર્કમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાટણ સિધપુર હાઈવે રોડ ઉપર આવેલા ગીતાંજલી સોસાયટીમાં પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 13 થઈ છે.