પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવા, રીંછવાણી તેમજ આજુબાજુના મોટાભાગના વિસ્તારમાં વીજળીનો કોઈ સમય નક્કી નથી. 24 કલાક વીજળી આપવાની સરકારની વાતો આ વિસ્તારમાં પોકળ સાબિત થઈ રહી છે.
આ વિસ્તારમાં દર મંગળવારે મોટાભાગે વીજ કાપ થતો હોય છે જેને લઈ વીજળી વિભાગ દ્વારા કોઈ રીપેરીંગ કરી સમસ્યાનું નિવારણ કરી શકાય છે. પરંતુ તેમ કરવામાં આવતું નથી. વીજકાપ આ વિસ્તાર માટે રોજની રામાયણ છે.
ખેડૂતો દ્વારા ચોમાસુ પાકની વાવણી કરી દેવામાં આવી છે અને વરસાદે વિરામ મૂક્યો છે. ત્યારે પોતાના ખેતરમાં કૂવા અથવા બોરિંગ દ્વારા સિંચાઈ કરી રહેલા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા તેઓ ચિંતામાં મુકાયા છે. ઉપરાંત આ વિસ્તારમાં ઠંડા પીણાં તેમજ દૂધ,દહીં વગેરે ડેરી પ્રોડક્ટનો વ્યવસાય કરતા વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે.
વીજળીની અનિયમિતતાના પગલે ફ્રીઝ બંધ હોવાથી માલ પણ બગડી જતો હોય છે અને જલ્દી વેચાતો નથી.
આ વિસ્તારમાં આખા દિવસ દરમ્યાન અસંખ્યવાર લાઈટની આવનજાવન થાય છે જેને પગલે ઇલક્ટ્રિક ઉપકરણોને પણ નુકશાન થતું હોય છે. તેમજ લોકોને ગરમીમાં બફાવું પડે છે.