પંચમહાલ SOG પોલીસ ટીમના ઇન્ચાર્જ PI ડી. એન. ચુડાસમાને માહિતી મળી હતી કે, રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘોંઘબા ફાટક વિસ્તારમાં 3 મહિલાઓ દારુના જથ્થા સાથે ઉભી છે. SOGની ટીમે આ વિસ્તારમા પેટ્રોલિંગ કરતા બાતમી વાળી જગ્યાએ છાપો મારતા મહિલાઓ જ્યાં ઉભી હતી, ત્યાં તેમની પાસે રહેલા 3 મીણના થેલાની તપાસ કરવામાં આવતા SOGની ટીમ ચોંકી ઉઠી હતી.
આ થેલામાં 321 નંગ ક્વાટરીયા અને બીયર 32 નંગ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે મહિલાઓની પૂછપરછ કરતા તેમના નામ અનુક્રમે (1) કાન્તા ગોડીયા રહેવાસી રમખેડા, દાહોદ (2) ગૌરી ભાભોર રહેવાસી પુસંરી, દાહોદ (3) સવિતા ભાભોર રહેવાસી, દાહોદના હોવાનું જણાવ્યું હતુ. આ દારુનો જથ્થો ક્યાંથી લાવીને કોણે પહોંચાડવાનો હતો, હવે SOGની ટીમે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.