પંચમહાલ: જિલ્લાના ગોધરા શહેરથી 16 કિમી દૂર પ્રવાસન સ્થળ ટુવા આવેલું છે. ટુવા ખાતે ગરમ અને ઠંડા પાણીના ઝરા આવેલા છે. જ્યાં 108 જેટલા નાના મોટા ગરમ અને ઠંડા પાણીનાં કુંડ આવેલા છે. ટુવા ખાતે રવિવાર ઉપરાંત રજાના દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા આ સ્થળનો પિકનિક પોઇન્ટ તરીકે પણ વિકાસ કરવામાં આવ્યો છે.
અહીંયા આવતા યાત્રાળુઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, ટુવા ખાતેના ગરમ ઠંડા પાણીના કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગમાં રાહત મળે છે. તથા અન્ય રોગો પણ દૂર થાય છે, પ્રવાસન સ્થળ ટુવા ખાતે હોળી તેમજ દિવાળી પર મેળા પણ ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉમટે છે. ત્યારે આગામી તહેવાર હોળીને લઇને આજે આમલી અગિયારસનો ટુવા ખાતે મેળો ભરાયો હતો.
આ મેળામાં પંચમહાલ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના લોકો પણ ઉમટે છે. પ્રવાસન સ્થળે ગરમ ઠંડા પાણીના ઝરા ઉપરાંત ભીમનો પ્રાચીન ચોરો આવેલો છે. જ્યાં ભીમના પગલાં આવેલા હોવાની લોકોમાં માન્યતા છે. આજુબાજુના લોકોમાં એવી પણ માન્યતા છે કે, મહાભારત કાળ દરમ્યાન પાંડવો વનવાસ દરમ્યાન આ સ્થળે રોકાયા હતા અને સોમનાથ મહાદેવની સ્થાપના કરી હતી. તદ્પરાંત ટુવા ખાતે રામજી મંદિર પણ આવેલું છે.