- મુખ્યપ્રધાને 700 કરોડ ઉપરાંતના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું
- જંગલની જમીન અંગેની ટોકન સનદો પણ મુખ્યપ્રધાન દ્વારા અસરગ્રસ્તોને આપવામાં આવી
- કોરોનાની વેક્સિન પણ તમામને મફત આપવામાં આવશે
પંચમહાલ : જિલ્લામાં પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદવહનથી તળાવ ભરવાની યોજના અંતર્ગત 453 કરોડના કામું ખાતમુહૂર્ત તેમજ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકાઓમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો જેવા કે, સરકારી સાયન્સ આર્ટ્સ કોલેજ છાત્રાલય, મોરવા હડફ તાલુકામાં બનાવવામાં આવેલ હરેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ મુખ્યપ્રધાનના હસ્તે કેબિનેટના પ્રધાન કુંવરજી બાવળીયા,પ્રદીપસિંહ જાડેજા તેમજ સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.
700 કરોડ ઉપરાંતના કામો પ્રજાને અર્પણ
આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યપ્રધાને પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારો દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમો થતા હતા. લોકોમાં આશા જગાવતા હતા ખોટા વચનો આપતા હતા અને કોઈ કામો થતાં ન હતા. જ્યારે અમે કહીએ છીએ એમ ભાજપની સરકાર જે યોજનાનું ખાતમુહૂર્ત કરે છે તે યોજનાનું લોકાર્પણ પણ ભાજપના જ લોકો કરે છે. આ અમે અભિમાનરૂપે નથી કહેતા પણ અમે અમારા આપેલા વચનો પુરા કરીએ છીએ. પંચમહાલ જિલ્લામાં 700 કરોડ ઉપરાંતના કામો પ્રજાને અર્પણ કર્યા છે. આ કોરોનાનાં કપરા સમયમાં પણ તમામ સાવચેતીઓ સાથે 21 હજાર કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે. જ્યારે કોંગ્રેસની સરકારનું આખું બજેટ 900 કરોડનું હતું. કોરોનાના સમયમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય સંક્રમિત થયેલા લોકોને સઘન સારવાર મળે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી અને જેને લઈને ગુજરાતના 95% લોકોને સાજા કર્યા છે. મફત સારવાર આ સરકારે આપી છે. વિકાસના કામો પણ આ કપરા સમયમાં અટકવા દીધા નથી.
કોરોના સામે ગુજરાત જીતશે જ : મુખ્યપ્રધાન
ભારતના જન જન સુધી આ વેક્સિન પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેની અલગ અલગ કંપનીઓને માન્યતા આપી છે. અઠવાડિયામાં જ આ કાર્ય શરૂ થશે. ગુજરાતમાં પણ વેક્સિનેશનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. કોરોના સામે ગુજરાત જીતશે જ તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. વધુમાં પંચમહાલ જિલ્લામાં બનેલા હડફ,કબૂતરી અને અદલવાડા ડેમના વિસ્થાપિતોને જંગલની જમીન અંગેની ટોકન સનદો પણ મુખ્યપ્રધાન દ્વારા અસરગ્રસ્તોને આપવામાં આવી હતી.
વેક્સિનેશન અંગેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ
કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનાં નવા સ્ટ્રેનના જે કેસો મળી આવ્યા છે. તેવા લોકોને નિષ્ણાંત ડોકટરોની નિગરાની હેઠળ આઇસોલેટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર કોરોના અંગે પહેલાથી જ સજાગ છે અને તે અંગેની કરવાની થતી તમામ સાવચેતી અને કામગીરી સરકાર કરી રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ કોરોનાની વેક્સિન પણ તમામને મફત આપવાની છે તે ખૂબ સારી બાબત છે અને તે વેક્સિનેશન અંગેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી જેવી વેક્સિન પ્રાપ્ત થશે તેવુ જ તબક્કાવાર વેક્સિનેશન કરવામાં આવશે.