પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના 150, ગોધરા તાલુકાના 20, સંતરામપુર તાલુકાના 2 તથા સિંઘવડ તાલુકાના 1 બાળક સહિત કુલ 173 જેટલા બાળકોએ આ વર્કશોપનો લાભ લીધો હતો. આ વર્કશોપનું આયોજન કરનાર શિક્ષક ઇમરાન શેખ સહિત જશવંતભાઈ વણઝારા તથા ધર્મેન્દ્રભાઈ બારીઆ દ્વારા આ બાળકોને સવારના માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભાગ લેનાર બાળકનોને બપોરે નાસ્તો પણ લોકભાગીદારીથી પૂરો પાડવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ બાળકોને શાળા દ્વારા ફ્રી સ્ટેશનરી પૂરી પાડવામાં આવી હતી. આ વર્કશોપની મોરવા હડફ તાલુકાના બીઆર.સી. કો- ઓર્ડીનેટર દિનેશભાઇ પરમાર સાહેબે પણ મુલાકાત લીધી હતી. બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું. સાથે યોગદાન આપનારા શિક્ષકોને પણ રવિવારના સમયે બે જિલ્લાના બાળકો માટે સમયદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
જ્યારે પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલ સાહેબે પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ શિક્ષકો તથા બાળકોને શુભેચ્છાઓ આપી હતી. બાળકોએ આ વર્કશોપથી પોતાને યોગ્ય માર્ગદર્શન મળ્યાની વાત કરી હતી અને ભવિષ્યમાં પણ આ વર્કશોપ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.