પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા 2 વર્ષથી 300 કરોડના ખર્ચે પાવાગઢની કાયાપલટનું કામ આરંભવામાં આવ્યું છે. વિકાસ કાર્યોમાં પાવાગઢ માંચી તેમજ નિજ મંદિર ખાતે વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં પાવાગઢ નીજ મંદિર ખાતે માલ સમાન પહોંચાડવા માટે કોન્ટ્રક્ટર દ્વારા ગુડ્સ રોપ-વેની શરૂઆત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી હતી. આ ગુડ્સ રોપવે મારફતે ભારે વજન ધરવતા માલ સમાન સહિત, પાણીનું ટેન્કર, ટ્રેક્ટર તેમજ અન્ય ભારે મશીનરી પણ નિજ મંદિર સુધી પહોંચાડવામાં આવતી હતી.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ગુડસ રોપ-વેની વહન ક્ષમતા વધારવા માટેની ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ પાણીનું ટેન્કર તેમજ અન્ય ભારે સામાન ગુડ્સ રોપવે દ્વારા પાવાગઢ નિજ મંદિરના પર્વત સુધી લઇ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ગુડ્સ રોપ-વેનું મુખ્ય ફાઉન્ડેશન કે જેના પર સમગ્ર રોપ-વે કાર્ય કરે છે તે ભારે વજનને લઈને ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈ જાન હાની થઇ નહોતી, પરંતુ આ જગ્યાએ કામ કરતા શ્રમિકો પૈકી 1 શ્રમિકને ઈજા થઇ હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પાવાગઢ ખાતે ચાલી રહેલા વિકાસના કામોમાં ભારે માલ સમાનના વહન માટે ઈજારેદાર દ્વારા લગાવવામાં આવેલા ગુડ્સ રોપ-વેમાં કામ કરતા કામદારોને કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો આપ્યા વિના જ કામે લગાવવામાં આવ્યાં હતાં. સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ આ સમગ્ર બાબતને લઈને ઈજારેદરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગુડ્સ રોપવેના અકસ્માતને પગલે પાવાગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોધવામાં આવી હતી. ત્યારે હવે તંત્ર દ્વારા આ સમગ્ર બાબતને લઈને યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પાવાગઢ ખાતે યાત્રિકોનો ધસારો વધારે રહેતો હોય છે, ત્યારે તંત્ર દ્વારા નક્કર પગલા ભરવામાં આવે તે ખુબ જ જરૂરી બન્યું છે. નહીં તો આગામી સમયમાં જો આવી ઘટના સર્જાઈ તો મોટી જાનહાની થવાની પણ સંભાવનાઓ રહેલી છે.