પાવાગઢ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે થોડા દિવસો પહેલા જ રોજ યાત્રિકોના આરામ કરવા માટે બનાવેલ રેન બસેરા સામાન્ય વરસાદમાં ધરાશય થઈ તૂટી પડવાના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું અને આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગોઝારી દુર્ઘઘટના ઇજા પામેલા લોકોના ઘા હજુ રુઝાયા નથી ત્યારે ગત મોડી સાંજે પાવાગઢના માચી ખાતે અન્ય બે રેન બસેરાની મઢુલી ધરાશય થવાની ઘટના સામે આવતા સમગ્ર પાવાગઢ સહિત પંથકમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.
વધુ એક દુર્ઘટના: ગત સાંજે બે ભાગ તૂટી પડતા ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. બે ભાગ તૂટ્યા પછી ઉભેલા વધુ એક ભાગને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ભાગ ઉતારવાની કામગીરી દરમિયાન એ ભાગ પણ તૂટી પડતાં ચાર કામદારો પથ્થર નીચે દબાયા હતા. તમામ કામદારોને ખાનગી વાહન મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ લોકોની હાલત ગંભીર જણાતા વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે
તંત્રની કામગીરી પર સવાલ: ગત ગુરુવારે સર્જાયેલી દુર્ઘટના પછી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા આજે વધુ બે ભાગ પડ્યા હતા. રાત્રે કામગીરી કરાતા વધુ એક હિસ્સો તૂટી પડતા તેમાં ચાર કામદારો દબાવ્યા હતા. આજે તો ના કોઈ વરસાદ છે કે ન વાવાઝોડું...તેમ છતાં પણ હલકી ગુણવત્તા ધરાવતી કામગીરીને પગલે બે રેન બસેરા તૂટી પડવાની ઘટનાને લઈને અનેક સવાલો પેદા થવા પામ્યા છે.
તટસ્થ તપાસના આદેશ: ગત ગુરુવારે બનેલી ઘટનામાં જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા મઢુલી ટુટી પડવાની ઘટનામાં તટસ્થ તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. જેને અનુલક્ષીને એફએસએલ તેમજ ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની ટીમોએ સ્થળ મુલાકાત કરી રેન બસેરા તૂટી પડવાની ઘટનાની તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી કાટમાળના સેમ્પલો લઈ તપાસ અને પૃથ્થકરણ માટે મોકલ્યા હતા.