શહેરા નગરમાં ગોધરા હાઇ-વે સ્થિત વિશ્રામ ગૃહની સામે આવેલા બાબજી કોમ્પ્લેક્સમાં શિવમ મીઠીબોરવાલાની હોસ્પિટલ આવેલી છે. જેમાં ગોધરાના તબીબ ડોક્ટર મઝાહિર એન મીઠીબોરવાલા અને ઓર્થોપેડિક તબીબ તરીકે ગોધરાના જ ડોક્ટર જયેશ પટેલ સેવાઓ પુરી પાડી રહ્યા છે. ગુરુવારના રોજ શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને ધ્યાને આવ્યું કે, હોસ્પિટલ દ્વારા જાહેરમાં જૈવિક તબીબી કચરો (બાયો મેડિકલ વેસ્ટ)જેવો કે સિરિન્જ ઈન્જેકશન ખાલી દવાની બોટલો નાખવામાં આવી હતી.
જેના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા રહેલી છે. નગરજનોના આરોગ્ય અને પર્યાવરણ સાથે પણ ચેડા કહી શકાય. જેથી તેઓ સામે દંડનીય કાર્યવાહીનું શસ્ત્ર ઉગામવવામાં આવ્યું હતું. સરકારના પર્યાવરણ (રક્ષણ) કાયદા 1986 ની જોગવાઈઓ મુજબ રૂપિયા 10,000ની વહીવટી ચાર્જની રકમ વસુલવામાં આવી હતી. બનાવના પગલે અન્ય તબીબોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો.
નોંધનીય છે, સપ્તાહમાં 1 માસની અંદર એક વખત જૈવિક તબીબી કચરો (બાયો મેડિકલ વેસ્ટ)નું વાહન તેનો નાશ થાય તે હેતુથી શહેરમાં આવે છે. છતાં પણ જાહેરમાં મેડીકલ વેસ્ટ નાખીને લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડા કરતા હોવાનું આ બાબતથી ફલિત થાય છે.