પંચમહાલઃ જિલ્લાના દિગ્ગજ રાજનેતા પ્રભાત સિંહ ચૌહાણનું નિધન થયું છે. ચૌહાણ લાંબી માંદગી બાદ આજે 83 વર્ષની વયે ગુજરી ગયા છે. તેમના અવસાનથી પંચમહાલમાં એક રાજકીય યુગનો અંત આવી ગયો છે. ચૌહાણના અનુયાયીઓ અને સમર્થકો શોકમગ્ન બની ગયા છે. આવતીકાલે તેમના માદરે વતન મુવાડી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પ્રાથમિક માહિતીઃ પ્રભાત સિંહ પ્રતાપ સિંહ ચૌહાણનો જન્મ 15 જૂન, 1941ના રોજ પંચમહાલ જીલ્લામાં થયો હતો. ચૌહાણે તેમનું શાળાકીય શિક્ષણ શ્રી કે.કે. હાઈસ્કુલ, વેજલપુર ખાતેથી લીધું હતું. તેમણે એસએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રતાપ સિંહને ધાર્મિક પુસ્તકો અને વર્તમાનપત્રો વાંચવાનું પસંદ હતું. તેઓ લાંબી કૂદ તેમજ કબડ્ડી જેવી રમતોમાં ખાસ રસ ધરાવતા હતા. તેઓ નિયમિત યોગ અને વ્યાયામ કરતા, આજની ભાષામાં કહીએ તો પ્રભાત સિંહ ચૌહાણ એક 'ફિટનેસ ફ્રીક' હતા.
જનસેવાના હિમાયતીઃ પ્રભાત સિંહ ચૌહાણ પંચમહાલ જિલ્લાના એક દિગ્ગજ રાજનેતા હતા. આ વિસ્તારમાં પ્રભાત સિંહ પ્રખર રાજકારણીની શાખ ધરાવતા હતા. તેમણે જનસેવનો ભેખ બહુ નાની ઉંમરથી લીધો હતો. રાજકારણમાં આવ્યા તે પહેલેથી જ તેઓ જાહેર જીવન સાથે સંકળાયેલા હતા. રાજનેતા બન્યા તે પહેલા પ્રભાત સિંહ કૃષિવિદ, શિક્ષણવિદ તેમજ સામાજિક કાર્યકર તરીકે સેવારત હતા. આખુ જીવન પ્રભાત સિંહે નિરક્ષરતા, વસ્તીવધારો, કુપોષણ, મદ્યપાન વગેરે જેવા ગ્રામીણ દુષણોને દૂર કરવા મહેનત કરી હતી. વર્ષ 1962-72 દરમિયાન તેમણે 13,000 કિમી લાંબી ધાર્મિક કૂચમાં ભાગ લીધો હતો. પ્રભાત સિંહ ચૌહાણ તેલીબિયા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, મહેલોલ અને કથોડિયા ઉધવાન સિંચાઈ યોજનાના ઉપ પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ નાણાં અને કોર્પોરેટ અફેર્સ કમિટિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને વન મંત્રાલય હસ્તકની એડવાઈઝરી કમિટિના સભ્ય પણ હતા.
રાજકીય સફરઃ પ્રભાત સિંહ ચૌહાણ પહેલા કૉંગ્રેસ અને ત્યારબાદ ભાજપ એમ બંને પક્ષો સાથે સંકળાયેલા હતા. તેઓ એટલા લોકપ્રિય હતા કે પંચમહાલની જનતાએ તેમણે 2 વખત સાંસદ અને 5 વખત ધારાસભ્ય તરીકે જીતાડ્યા હતા. માહેલોલ ગામના સરપંચ તરીકે તેમણે 1975થી 2001 સુધી સેવા આપી હતી.
1980-90 : કાલોલ બેઠક પરથી ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા.
1980-90 : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય બન્યા.
1997-02 : ગુજરાત સરકાર હેઠળ વન અને પર્યાવરણ ઉપમંત્રી બન્યા.
2002-07 : ગુજરાત સરકાર હેઠળ આદિજાતિ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ચૂંટાયા હતા.
2004 : ગુજરાત રાજ્ય સરકાર હેઠળ ગાય ઉછેર, દેવસ્થાનમ તેમજ યાત્રાધામના રાજ્યમંત્રી તરીકે ચૂંટાયા.
2009 : પંચમહાલથી 15મી લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા.
2014 : પંચમહાલથી 16મી લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા.