ગુજરાત સરકાર દ્વારા ઔધોગિક ક્ષેત્રની જરૂરિયાત મુજબ કૌશલ્યલક્ષી માનવબળની ઉપલબ્ધી માટે ઉધોગ જગ્યાઓની પૂરતી માટે ઔધોગિક ભરતી મેળાનો નવતર અભિગમ સૌ પ્રથમ ગુજરાત રાજ્ય દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે.
શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના નિયામક રોજગાર અને તાલીમ કચેરી પંચમહાલ ,દાહોદ અને મહીસાગર દ્વારા ત્રણેય જિલ્લાના રોજગાર વાંચ્છુઓને એક જ મંચ પરથી રોજગારી મળે તે માટે ગોધરા શહેરના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ માં મેગા કલસ્ટર જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ લાયકાત ધરાવતા અંદાજે 6 થી 7 હજાર જેટલા રોજગાર વાંચ્છુઓ નોકરી માટે ઉમટ્યા હતા.
મેગા કલસ્ટર જોબ ફેરમાં પસંદગી પામેલા ઉમેદવારોને પશુ પાલન અને ગૌ સંવર્ધન પ્રધાન બચુભાઈ ખાબડના હસ્તે એનાયાતપત્રો આપવામાં આવ્યા હતા.ગોધરા ખાતે યોજાયેલા જોબ ફેરમાં 43 જેટલી મેન્યુફેક્ચર ,સર્વિસ અને વેપાર ક્ષેત્રની ખાનગી કંપની દ્વારા અલગ અલગ લાયકાત પ્રમાણે વિવિધ 6120 જગ્યાઓ માટે યુવાનોને નોકરીની તક આપવામાં આવી હતી.આ રોજગાર ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ સ્ટોલની અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેમાં પસંદગી પામનાર દિવ્યાંગ ઉમેદવારને સ્થળ પર જ ઓફર લેટર આપવામાં આવ્યા હતા. આ ભરતી મેળામાં ધોરણ 10થી ઓછું ભણેલાથી લઈ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા જેવી લાયકાત ધરાવતા ઉમેદવારોની જિલ્લાના અને જિલ્લા બહારના ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા લેખિત અને મૌખિક ઈન્ટરવ્યુ લઈ સ્થળ પર પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન પ્રધાન બચુભાઈ ખાબડ,ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી,જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.