ગુજરાતના સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રકુમાર નિમાવતની અધ્યક્ષતામાં ગુજરાત સૈનિક સંગઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ શહીદ થયેલા સૈનિકોની વિધવા પત્નીઓ હાજર રહી હતી. માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રમુખ જીતેન્દ્ર નિમાવતનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાનની શરૂઆત કરીને મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત હોદ્દેદારોએ પોતાની માગને મજબૂત કરવા માજી સૈનિકોને આહવાન કર્યુ હતું.
સૈનિકોની માંગણીના 14 મુદ્દાઓ જેવા કે સરકારી સેવામાં માજી સૈનિકને પાંચ વર્ષની ફિક્સ પગાર નાબુદ, સૈનિકોને નિયમ અનુસાર અનામતનો લાભ, સરકારની નોકરી મળે ત્યારે પરિવારને સ્થાયી રહેઠાણની જગ્યા, શહિદ સૈનિક પરિવારના સભ્યોને સરકારી નોકરી અને રાજ્ય સરકાર દ્વારા પેન્શન, જીવનનિર્વાહ માટે સરકારી જમીનમાં ખેતી કરવા માટે તેમજ રહેણાંક હેતુ પ્લોટ આપવામાં આવે પરંતુ, હાલ તેનો ગુજરાત સરકારમાં અમલ થતો નથી. તેના પરિપત્ર અનુસાર જોગવાઈ કરવામાં આવે, સૈનિકોના સંતાનના અભ્યાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે, ગુજરાત સરકાર દ્રારા લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે, ગુજરાતના સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા વગેરે માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારી માગ સરકાર દ્વારા પૂરી નહીં પાડવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.