કહેવાય છે કે, ભગવાન બાળકોની પ્રાર્થના જલ્દી સાંભળી લે છે. જેથી પંચમહાલનાં સરહદી વિસ્તારમાં એક પરંપરા વર્ષોથી ચાલે છે. જ્યારે વરસાદ વરસે નહીં અને મેઘરાજાના કોઈ અણસાર ન હોય ત્યારે વરુણદેવને રીઝવવા માટે બાળકો દ્વારા વિશેષ રીતે પ્રાર્થના કરાઈ છે.
પંચમહાલમાં કાલોલ અને સાવલી તાલુકાના સરહદી ગ્રામ્ય વિસ્તારના નાના બાળકો માટીનો મેહુલિયો બનાવી ઘરે- ઘરે મેઘગીત ગાઈ મેઘરાજાને મનાવે છે. વરસાદનો સમય હોવા છતાં વરસાદ નહીં વરસતા વરુણદેવને મનાવવા બાળકો આજીજી કરી રહ્યા છે. મેવલિયો લઈ ફેરી ફરતા બાળકો ઉપર પાણી ચડાવી અનાજ કે ભેટ આપવાનો રિવાજ છે. બાળકો ઉત્સાહભેર પાણીથી લથબથ થઈ મેઘમહેર માટે પ્રાર્થના કરી રહ્યા છે. હવે આ બાળ વરુણ ભક્તોની પ્રાર્થના મેઘરાજા વહેલી તકે સાંભળે તેવી આશા વિસ્તારના લોકો રાખી રહ્યા છે.