- કારગિલ વિજય દિવસને આજે 22 વર્ષ થયા પુર્ણ
- કારગિલ વોરમાં 500થી વધુ વીર થયા હતા શહીદ
- જાણીએ પંચમહાલના વીર સપૂતની વીરગાથા
પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના ખટકપૂર ગામના ભલા બારીયા પણ કારગિલ યુદ્ધમાં દુશ્મનોને માત આપી શહીદ થયા હતા. ભલા બારીયાનો પરિવાર આજે પણ ભલા બારિયાને યાદ કરે છે. ખટકપુર ગામના અખમભાઈ અને માતા ઝીણી બેનને ત્યાં ભલા બારિયાનો જન્મ થયો હતો. પંચમહાલના વીર સપૂત ભલાભાઇ આજે પણ લોકોના દિલમાં વસેલા છે.
સરકારી શાળાને આપ્યુ શહીદનું નામ
ખટકપુર ગામની સરકારી શાળામાં તેઓએ પ્રાથમિક શિક્ષણ લીધું હતુ. આ શાળાને નામ શહીદનું નામ આપવામાં આવ્યુ છે. આ બી.એ.બારિયા સરકારી શાળાના કંમ્પાઉન્ડમાં ભલા બારીયાનું સ્મારક બનાવવામાં આવ્યુ છે. બી.એ.બારિયા શાળાના આચાર્યએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આ સ્મારક પર દર વર્ષે કારગિલ દિવસ પર ફુલ હાર ચડાવી શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. આ શાળામાં આવેલા ભલા બારિયાના સ્મારક પર "જબ તક સૂરજ ચાંદ રહેગા ભલાભાઇ તેરા નામ રહેગા " લખેલું છે. તેઓએ નાંદરવા ગામની હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. માધ્યમિક શિક્ષણ લીધા બાદ તેઓમાં દેશદાઝની ભાવના હોવાથી ભાકતીય સેનામાં જવાનું નક્કી કર્યુ હતુ. આ પછી 12 મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા.
કારગિલમાં દુશ્મનોની ગોળીએ વિંધાયા ભલા બારિયા
1999માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ વિસ્તારમાં સામ-સામે ગોળીબાર ચાલુ થયો હતો. ગોળીબારની સાથે-સાથે મોર્ટારોનો મારો પણ થતો હતો. પરંતુ દુશ્મનોને માત આપવા ભલાભાઇ અડીખમ અને અડગ હતા. તેઓ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને વળતો જવાબ આપતા હતા. જ્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઈ હતી. તેમજ લડતાં લડતાં દેશ માટે શહીદ થઈ હતા. શહિદ ભલાભાઈ બારિયાના પાર્થિવ દેહને માદરે વતન ખટકપૂર લાવીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
શહિદના મોટા ભાઈ પણ હતા ભારતીય સેનામાં
આજે પણ ખટકપૂર ગામમાં તેમનો પરિવાર રહે છે અને તેમને યાદ કરે છે. ભલાભાઇ બારીયાના નાનાભાઈ બળવંત બારિયા ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમના માતા-પિતા અવસાન પામ્યા છે. ભલા ભાઈના મોટા ભાઈ આર્મીમાંથી સેવાનિવૃત્ત થયા હતા. એવું પણ કહી શકાય કે, ભલા બારિયાએ તેમના મોટા ભાઈ ભારતીય સેનામાં હતા તેની પ્રેરણાથી તેમણે સેનામાં જવાનું વિચાર્યુ હતુ. જ્યારે શહીદ ભલાભાઈના પત્ની કોકિલા તેમના પિયરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
શહીદના પરિવારને પ્રમાણપત્ર એનાયત કરાયા
શહિદ ભલાભાઈ બારિયાના પરિવારને સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. આ મંડળના સંયોજક સેવાનિવૃત્ત ઓફિસર મનન દેસાઈ દ્વારા લિખિત પુસ્તક" કારગિલ યુદ્ધ ગુજરાતના સૈનિકો "જેમાં ભલાભાઈની વીર ગાથા વર્ણવી છે. સુરતની શ્રી જય જવાન નાગરિક સમિતિ દ્વારા પણ પ્રમાણપત્ર આપી તેમની શહીદીને બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.