આ મકાઇ સંશોધન કેન્દ્રનો ઉદ્દેશ મકાઇના પાકની નવિન સુધારેલી બિયારણની જાતો ઉપજાવીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવે તે દિશા તરફનો છે. ગોધરા ખાતે આવેલા મકાઇ સંશોધન કેન્દ્રએ પાક સંરક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં નામના મેળવી છે. સામાન્ય રીતે પંચમહાલ જિલ્લાના ખેડૂતો પાકમાં મકાઈની ખેતી કરતા હોય છે. પણ ખેડૂતો પાસે યોગ્ય માર્ગદર્શન ન હોવાને કારણે તેઓ પોતાના પાકનું યોગ્ય વળતર મેળવી શકતા નથી, ત્યારે સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. જેના સારા પરિણામો પણ મળ્યા છે. અહીં ખેડૂતોને આ જ કેન્દ્રમાં વિકસાવેલા નવીન જાતના મકાઈના બિયારણો આપવામાં આવે છે. ખેડૂતો ટેકનોલોજી સાથે વધુ વળતર મેળવે એ દિશામાં મકાઈ સંશોધન કેન્દ્ર કામ કરી રહ્યું છે.
આજ સુધી અહીં 17 જેટલી મકાઈના બિયારણની જાતો વિકાસવામાં આવી છે. જે દેશી જાતો કરતા વધારે ઉત્પાદન આપે છે. આ મકાઈ સંશોધન કેન્દ્ર દ્રારા વિકસાવામાં આવેલી બિયારણોની જાતોની વાત કરવામાં આવે તો " ( ગુજરાત મકાઈ-6)", "(નર્મદા મોતી)", (ગુજરાત આણંદ પીળી હાઈબ્રેડ મકાઈ 1), "(ગુજરાત આણંદ પીળી હાઈબ્રેડ મકાઈ 2)" વિકાસવામાં આવી છે. જે ચોમાસામાં વાવી શકાય છે. વધુમાં અહીંના કેમ્પસમાં જ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ આવેલી છે. જેમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અહીં મકાઈ સંશોધન કેન્દ્રમાં તાલીમ મેળવીને સંશોધન કાર્ય કરે છે. આમ, આ મકાઈ સંશોધન કેન્દ્ર માત્ર પંચમહાલ જ નહીં પણ આસપાસના અન્ય જિલ્લાના ખેડૂતો માટે આર્શિવાદ સમાન બન્યું છે.