પંચમહાલ : ગોધરા કોર્ટ દ્વારા વર્ષ 2013 ના લાંચ કેસમાં સમાજ કલ્યાણ અધિકારીને સજા ફટકારી છે. આરોપીએ બિલ પાસ કરાવવા બદલ ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી. જોકે, આ મામલે ફરિયાદીએ LCB કચેરીને જાણ કરી હતી. બાદમાં વડોદરા LCB દ્વારા છટકું ગોઠવી લાંચખોર અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
2013 નો લાંચ કેસ : સરકારી વકીલ રાકેશભાઈ વ્યાસે કેસની વિગત આપતા જણાવ્યું હતું કે, સ્વ. હબીબ પ્રેસવાલા પોતે ટ્રોનીકલ નામના અખબાર છાપાતા પ્રેસમાં પ્રેસ રિપોર્ટર તરીકે નોકરી કરતા હતા. 30 નવેમ્બર 2013 ના રોજ અખબારમાં છપાવેલ જાહેરાતના સંદર્ભમાં તે પ્રસિદ્ધ કરેલ જાહેરાતના બિલની રકમ રૂ. 5,000 નું બિલ થયું હતું. આ બિલ બનાવી ગોધરાની જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં મંજૂરી માટે આપ્યું હતું.
લાંચિયા સરકારી બાબુ : આ બિલની રકમનો ચેક લેવા માટે ગોધરા જિલ્લા પંચાયત કચેરીમાં સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-2 તરીકે ફરજ બજાવતા હરીસિહ કીકાભાઈ મુનીયાએ સ્વ. હબીબ પાસેથી રૂપિયા 1 હજાર લાંચ પેટે માંગ્યા હતા. ફરીયાદી પોતે જાગૃત નાગરિક હોવાથી અને લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ વડોદરા LCB કચેરીનો સંપર્ક કર્યો હતો.
કોર્ટે આકરી સજા ફટકારી : ફરિયાદીની ફરિયાદના આધારે LCB ટીમે છટકું ગોઠવી આરોપીને લાંચના નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જે બાબતે LCB ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરી પંચમહાલ જિલ્લાના મહે. સ્પેશિયલ જજ (એસીબી) સમક્ષ આરોપી વિરુદ્ધ કેસ ચલાવવા માટે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં સ્પેશિયલ કેસ જિલ્લાના મહે.સ્પેશિયલ જજ પી. વી. શ્રીવાસ્તવની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
લાંચિયા અધિકારીઓમાં ફફડાટ : ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ રજૂ કરેલા સમગ્ર પુરાવા તથા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલો તથા રજૂઆતને ધ્યાનમાં લઈ સમાજ કલ્યાણ અધિકારી હરિસિંહ કીકાભાઈ મુનીયાને તકસીરવાન ઠરાવી 4 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ચુકાદા બાદ સમગ્ર સરકારી આલમમાં ભ્રષ્ટાચાર આચરનારા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ તથા ભયનો માહોલ ફેલાઈ ગયો છે.