પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ખાતે સુપ્રસિદ્ધ ગુરુધામ એવું કૃપાલૂ મુનિનો આશ્રમ આવેલ છે. ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર સ્થાપિત કૃપાલુ આશ્રમ દ્વારા ચલાવવામાં આવતી લકુલીશ યોગ યુનિવર્સિટીમાં યોગ શીખવા માટે મોટી સંખ્યામાં વિદેશી અનુયાયીઓ આવે છે. છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી તાઇવાનના ધર્મગુરુ સહીત રશિયા,અમેરિકા,જાપાન,જેકોસ્લેવીયા,તાઇવાન વિગેરે જેવા દેશો માંથી લોકો યોગ શીખવા માટે આવતા હોય છે.
આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હોસે હોસે ભાગ લેતા હોય છે. તેવું જ એક અંદાજિત 30 જેટલા વિદેશી અનુયાયીઓનું જૂથ કાલોલ તાલુકાના મલાવ સ્થિત કૃપાલુ આશ્રમ ખાતે યોગ શીખવા માટે આવેલ હતું. જેઓએ યોગની સાથે સાથે નવરાત્રીના ગરબે ઘુમવાનો પણ આનંદ માણ્યો હતો. ચીનથી આવેલ અંદાજિત 30 જેટલા વિદેશી અનુયાયીઓ તથા યોગ અભ્યાસુઓએ ભારતીય સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મને અનુસરી મલાવના કૃપાલુ આશ્રમ ખાતે ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવમાં ખુબ જ ભક્તિ ભાવ પૂર્વક ભાગ લીધો હતો.
આ વિદેશી ભક્તો ગરબે પણ ઘૂમ્યા, માથે માતાજીનો ગરબો મૂકી માંડવડી ફરતે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ભાતીગળ ગરબાની સાથે જ પંચમહાલની ઓળખ સમાં ટીમલીના તાલે પણ તાલ મેળવવાનો પ્રયત્ન આ વિદેશી ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો, જો કે રાત્રે ગરબે ઘુમવા માટે બપોરથી જ કરેલી સખત મહેનતના પરિણામે ગરબાના સમયે ગરબાના ઘણા સ્ટેપ્સ તો આ વિદેશી ભક્તો શીખી જ ગયા પરંપરાગત ગુજરાતી પહેરવેશ એવા ચણીયા ચોળી અને કુર્તામાં સજ્જ આ ભક્તોએ ત્રણ કલાક કરતા પણ વધારે સમય ગરબામાં ભાગ લીધો હતો.
વિદેશથી આવેલ અનુયાયીઓને ગરબે રમતા જોવા માટે મલાવ ગામમાંથી પણ ખુબ જ મોટી સંખ્યામાં ગામ લોકો અને આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં આવીને આનંદવિભોર બનેલા આ વિદેશી અનુયાયીઓ સાથે જયારે મીડિયા સાથે વાત કરી ત્યારે તેઓએ ઇંગલિશ મિશ્રિત પોતાની ચાઈનીઝ ભાષામાં ગુજરાતના લોકો આભાર વ્યક્ત કર્યો હતો. અહીંના લોકો ખુબ સારા છે અને ગરબે ઘુમવાની પણ ખુબ મજા આવી હોવાની ખુશી તેઓએ વ્યક્ત કરી હતી. આઈ લવ ઇન્ડિયા અને નમસ્તે ગુજરાત બોલીને આ વિદેશી અનુયાયીઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં પોતાનો વિશ્વાસ અને શ્રદ્ધા પ્રદર્શિત કરી હતી.