- આઝાદી બાદ પ્રથમ વખત પંચમહાલ જિલ્લાને CA પરીક્ષા કેન્દ્ર મળ્યું
- ICAI દ્વારા કેન્દ્રની કડક ચકાસણી બાદ મળે છે પરીક્ષા કેન્દ્ર
- ICAIના માપદંડ મુજબ ગોધરાની કોમર્સ કોલેજ ખરી ઉતરી
પંચમહાલ : ગોધરા શહેરમાં આઝાદી બાદ સૌપ્રથમવાર ICAI દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. શનિવારથી શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત અને કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે CAની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો.
વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા નગરજનોએ આ નિર્ણયને આવકાર્યો
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં સૌપ્રથમવાર પ્રતિષ્ઠિત ગણાતી CA એટલે કે ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષા માટેનુ કેન્દ્ર ICAI દ્વારા ફાળવવામાં આવ્યું છે. ગોધરાના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા નગરજનોએ આ નિર્ણયને આવકાર્યો હતો.
સમગ્ર ગોધરાવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી
CAની પરીક્ષા કેન્દ્રની પસંદગી કરનારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ જે તે કેન્દ્રની કડક ચકાસણી કરે છે. આઝાદીના 74 વર્ષ બાદ પ્રથમવાર ગોધરા શહેરને CAના પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેના પરિણામે સમગ્ર ગોધરાવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.
CAની પરીક્ષાનો પ્રારંભ થયો
શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે CAની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓને થર્મલ ગન દ્વારા સ્કેન કર્યા બાદ જ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
14 ડિસેમ્બર સુધી ચાલશે પરીક્ષા
શનિવારના રોજથી શરૂ થયેલી પરીક્ષા આગામી ડિસેમ્બર માસની 14 તારીખ સુધી ચાલશે. જેમાં કુલ 64 વિદ્યાર્થીઓ ગોધરા ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપશે.