ગોધરાઃ લૉકડાઉનમાં ફસાયેલા લોકો માટે પંચમહાલના વહીવટીતંત્ર દ્વારા રેનબસેરામાં રહેવાની વ્યવસ્થા કરી છે. તેમાંના કેટલાક લોકોએ પોતાની પ્રતિક્રિયા જણાવી હતી.
અંકલેશ્વરના કાંતિભાઈ બાબુભાઈ પટેલે જણાવ્યુ હતું કે,“હું અંકલેશ્વર રહું છું અને ગોધરા પાનના ધંધા અર્થે આવ્યો હતો. લોકડાઉનની શરૂઆત થતા બસ સહિતની ટ્રાન્સપોર્ટ સુવિધાઓ બંધ થઈ ગઈ હતી. જેથી ઘરે પાછા જવાનું મુશ્કેલ બન્યું હતું. ત્યારે મને જાણવા મળ્યું કે ગોધરા નગરપાલિકા દ્વારા સંચાલિત આશ્રયઘરમાં લોકડાઉન દરમિયાન અટવાઈ ગયેલા માટે રહેવા-જમવાની વ્યવસ્થા છે. આજે 17 દિવસથી હું અહીં સલામત છું અને મને લાગે છે કે લોકડાઉન દરમિયાન અહીં રોકાઈ ગયો તે સારૂ જ થયું....”
આવા જ અન્ય એક ભાઈ છે, રવજીભાઈ લાખાભાઈ ખોલિયા જે છેક ગીર-સોમનાથથી અહીં સેન્ટિંગ-મજૂરી કામ અર્થે આવ્યા હતા. તેઓ જણાવે છે કે લોકડાઉન દરમિયાન હેરાન થઈને ચાલતા કે લિફ્ટ માંગીને જવા કરતા અહીં રોકાઈ ગયો તે નિર્ણય સાચો ઠર્યો છે. આશ્રયઘરમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે એક સારી હોટેલમાં હોય તેવી સ્વચ્છતા અને સગવડ અહીં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જમવા ઉપરાંત રાત્રે સૂવા માટે સારી ગુણવત્તાના ગાદલા, ઓશીકા, ઓઢવાનું, પંખા, લાઈટ તેમજ સ્વચ્છ ટોઈલેટ-બાથરૂમની સુવિધા આશ્રયઘરમાં છે.
અમદાવાદના વતની અને ગોધરા મજૂરી અર્થે આવેલા મોહમ્મદ ઉસ્માન જણાવે છે કે, આરોગ્યની ટીમ દ્વારા અમારૂ ચેક-અપ કરવામાં આવ્યું હતું અને કોરોના વાયરસના ચેપ અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કાંતિભાઈને બી.પી. હોવાથી તેમનું બી.પી. તપાસી તેમને બી.પી.ની દવાઓ પણ આપી છે. અમે અહીં એકબીજાથી અંતર જાળવીને જ બેસીએ છીએ અને એ માટે પૂરતો મોટો હોલ છે.
આગ્રાના હીનાબેન સોનું સોલંકી છે, જેઓ ફુગ્ગા વેચવાનું કામ કરે છે. તેઓ 4 મહિનાથી અહીં જ રોકાઈ રહ્યા છે. તેમના પતિ અવસાન પામ્યા છે અને બે બાળકો તેમની સાથે આશ્રય ઘરમાં જ રહે છે. તેઓ જણાવે છે કે આ આશ્રય ઘર પારકા શહેરમાં ઘર સમાન સલામતીનો અહેસાસ કરાવે છે, સૂવા માટે તેમજ નહાવા સહિતની દૈનિક ક્રિયાઓ માટે સ્વચ્છ સુવિધાઓ પૂરી પાડે છે.
આ શેલ્ટર હોમના સભ્ય સુશ્રી અંજનાબેન પ્રજાપતિ જણાવે છે કે, હોમમાં 18-18ની ક્ષમતા ધરાવતા પુરૂષ અને સ્ત્રીઓ માટે અલાયદા હોલ છે. જેમાં સલામત અંતરે પલંગ, ગાદલા, લોકરની સુવિધાઓ છે. આ શેલ્ટર હોમનો ઉદ્દેશ્ય શહેરમાં મજૂરી અર્થે આવેલા શ્રમિકો, કામદારો કે જેમને હોટેલ-ગેસ્ટ હાઉસમાં રોકાણ કરવું પરવડે તેમ નથી તેમને રહેવા માટે એક આશ્રયસ્થાન પૂરૂ પાડવાનો છે.
અહીં અન્નપૂર્ણા એન.જી.ઓની સહાયથી બે વાર સારી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે. તેમજ અવારનવાર આરોગ્યની ટીમ દ્વારા તેમની ચકાસણી કરી જરૂરી દવાઓ આપવામાં આવે છે. અહીં રોકાવા માટે રહેઠાણનો પુરાવો તેમજ એક ઓળખપત્ર રજૂ કરવાનું રહે છે. છૂટક મજૂરી, ધંધો કરી બે છેડા ભેગા કરવા મથતા લોકોના જીવનસંધર્ષમાં મદદરૂપ થવા સરકારે આ પ્રકારના શેલ્ટર હોમની શરૂઆત કરી છે અને આ લૉકડાઉન દરમિયાન આ હોમ્સ શહેરમાં અટવાઈ ગયેલા અન્યોને પણ સલામત આશરો આપી રહ્યા છે.