ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ દ્વારા તારીખ 22 થી 27 સુધી દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને પોતાના વતનમાં જવા માટે પૂરતા પ્રમાણમાં એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આ વર્ષે સીટીએમ ચાર રસ્તા અમદાવાદથી તેમજ ગોલ્ડન ચોકડી વડોદરાથી તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તરફથી ગોધરા તરફ આવનાર તમામ મુસાફરો માટે માદરે વતન જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ દરેક ડેપો ખાતે રિટર્ન થનાર મુસાફરો માટે પણ બસનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી દરમિયાનના સમયમાં પણ ઓનલાઇન બુકિંગ કાઉન્ટરો સતત કાર્યરત રાખવામાં આવશે અને એડવાન્સ બુકીંગ કરાવીને સરળતાથી મુસાફરી કરી શકાશે. હાલ ગોધરા સહિતના ડેપો ખાતે પણ દિવાળીના તહેવારને લઈને મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ તેમજ આસપાસના દાહોદ મહિસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકો કામકાજ અર્થે અન્ય મોટા શહેરોમાં જતા હોય છે. પરંતુ, દિવાળીના તહેવારની ઉજવણી પોતાના માદરે વતનમાં જ ભારે ધૂમધામથી કરે છે.