ETV BHARAT સાથેની વાતચીતમાં ચેતન ધાનાણીએ જણાવ્યું હતું કે, તેમની પહેલી ફિલ્મ 'રેવા'ને એવોર્ડ મળ્યો છે. જે ખૂબ સારૂં કહેવાય. એવોર્ડના કારણે મને વિશ્વાસ બેસે છે કે, મારૂં કામ યોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે, 'રેવા' ફિલ્મમાં ચેતન ધાનાણી ગીતકાર, લેખક અને અભિનેતા પણ છે. એક સાથે ત્રણ કામ કરવા ચેલેન્જ કરતા ઓછું નથી હોતું. આ અંગે ચેતન ધાનાણીએ કહ્યું કે, મને મારા સહ-લેખક અને ડિરેક્ટર રાહુલ તથા વિનીતનો સપોર્ટ મળ્યો. જેથી હું ફિલ્મમાં સારી રીતે મારી ભૂમિકા નિભાવી શક્યો હતો.
સાહિત્ય પરથી ફિલ્મો બનવી જોઈએ કે નહીં? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, એક સમય હતો કે લેખકો પોતાની અભિવ્યક્તિ લખીને સાહિત્ય સર્જન કરતા હતા. જ્યારે હવે વિવિધ પ્રકારના માધ્યમો ઉપલબ્ધ છે. આપણા ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ કક્ષાનું સર્જન થયું છે. મારી ફિલ્મ 'રેવા' પણ ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પર આધારિત છે. સાહિત્ય પરથી ફિલ્મો બનવી જોઈએ. સાહિત્ય પરથી સર્જન થશે તો લોકો પણ તેનો સ્વીકાર કરશે.
યુવાઓને મેસેજ આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યુવાનોઓ પોતાના સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત જોયા વિના પરીશ્રમ કરવો જોઈએ અને પરીશ્રમ કરી ધ્યેય પ્રાપ્ત કરવો જોઈએ.
ETV BHARATના 'નો પ્લાસ્ટિક લાઈફ ફેન્ટાસ્ટિક' કેમ્પેઈનને તેમણે બિરદાવ્યું હતું અને સ્વચ્છતા અંગે જણાવ્યું હતું કે, સ્વચ્છતા હશે તો સારૂં કામ થશે. દેશ સામૂહિક ઘર છે.
પોતાની આવનારી ફિલ્મ અંગે તેમણે જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ કરી દેવામાં આવશે. અને વર્ષના અંતમાં જ ફિલ્મ દર્શકોની વચ્ચે આવી જશે.
ઉલ્લેખનીય છે કે, ચેતન ધાનાણી ગુજરાતી ફિલ્મ 'રેવા'ના મુખ્ય અભિનેતા છે. મૂળ વડોદરામાં રહેતા આ અભિનેતાએ નાટકોથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. મુંબઈ અમદાવાદમાં પણ તેમણે નાટકોના શૉ કર્યા છે.