જયદ્રથસિંહ પરમારે સમારોહના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા માટે અનેક પગલાઓ લીધાં છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરૂના પદને ભગવાન કરતા પણ ઉંચુ સ્થાન અપાયું છે. આવા શિક્ષકો જ સમાજની સાચી મૂડી છે. શિક્ષક જ્ઞાનનો દરિયો છે. એક સ્વસ્થ અને મજબૂત દેશના નિર્માણમાં શિક્ષકની ભૂમિકાની અગત્યતા સમજી ગુજરાત સરકાર શિક્ષકોના પ્રશ્નો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહી છે.
તાલુકા કક્ષાના 13 શ્રેષ્ઠ શિક્ષકોને રૂ.5,000નો ચેક અને જિલ્લા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકોને રૂ. 10,000નો ચેક એનાયત કરવા સાથે તમામ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર, મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માનવામાં આવ્યા હતા. આ સાથે નવનિયુક્ત આચાર્યો અને ભાષા, ગણિત-વિજ્ઞાનમાં 75 ટકાથી વધુ પરિણામ મેળવનારા 5 છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની વેબસાઈટ www.deopanchmahal.comપણ લોન્ચ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને લગતી એક લઘુ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલ સિંહ જાદવ, પૂર્વ ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લાના વિવિધ શિક્ષક સંગઠનોના પદાધિકારીઓ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.